કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે નવસારી મહાનગર પાલિકાના લોગોનું અનાવરણ કર્યું
Live TV
-
કેન્દ્રીય જળ મંત્રી સી.આર.પાટીલે આજે નવસારી મહાનગર પાલિકાના લોગોનું અનાવરણ કરીને નવસારીને નવી ઓળખ આપી હતી તેમજ નવસારી મહાનગરવાસીઓને સ્વચ્છતાની ભેટ આપી હતી. સી. આર. પાટીલે નવસારી મહાનગર પાલિકામાં સ્વચ્છતા માટેની માળખાકીય સુવિધામાં વધારો થાય તે માટે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે 13 મોટા વાહન અને 8 ટ્રેક્ટર-ટ્રેલરનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ પાટીલે નવસારી જિલ્લાની જાહેર આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.
સી.આર.પાટીલે નવસારી મહાનગરના સર્વાંગી વિકાસ માટે, શહેરને પાયાની માળખાકીય સુવિધાઓ અને વહીવટ સુવિધાઓ પ્રદાન કરવા માટે નવસારી મહાનગર પાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો સહ પ્રેરણાદાયી માર્ગદર્શન આપી મહત્વની ચર્ચા કરી હતી.
આ પ્રસંગે નવસારી મહાનગર પાલિકાના કમિશનર દેવ ચૌધરી, જિલ્લા કલેક્ટર અને એન. એમ. સી. ના વહીવટદાર ક્ષિપ્રા આગ્રે, ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, અગ્રણી ભૂરા શાહ, ડીડીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ નવસારીના પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલે પૂર્ણા નદીના કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની સ્થળ મુલાકાત કરીને પ્રોજેક્ટની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેકટની કાર્યપાલક ઇજનેર એમ સી પટેલે તથા ટેકનીશીયન દ્વારા કામગીરી સંદર્ભ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ તથા ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.
