કેવડિયામાં 26 ઓક્ટોબરના રોજ યોજાશે એક દિવસીય શિક્ષણ સમિટ, મુખ્યમંત્રી કરશે ઉદઘાટન
Live TV
-
આ સમિટમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 26 ઓક્ટોબરે એક દિવસીય શિક્ષણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય શિક્ષણ સમિટ “વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020”માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સમિટ નર્મદા જિલ્લાના ટેન્ટ સિટી-2, કેવડિયા ખાતે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ શિક્ષણ સમિટનું ઉદ્દઘાટન કરશે. આ સમિટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ, ગોવા અને દાદરા નાગર હવેલી જેવા રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોની યુનિવર્સિટીઓના 400થી વધુ મહાનુભાવો વાઇસ ચાન્સેલર અને NEP કોઓર્ડિનેટર જોડાશે. વિવિધ પ્રસિદ્ધ સંસ્થાઓનાં 20 સ્પીકર્સ NEP-2020નાં મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ની પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ પર “અખિલ ભારતીય શિક્ષા સમાગમ” વિષય પર તા 7, 8 અને 9 જુલાઇ, 2022ના રોજ વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એજ્યુકેશન સમિટનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેના "Way Forward" અંતર્ગત આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડાના સહયોગથી નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના અમલીકરણ પર પશ્ચિમ ઝોનના વાઇસ ચાન્સલર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં મુખ્ય રાષ્ટ્રીય પહેલ તેમજ ઉભરતા વૈશ્વિક વિષયો પર વક્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે તથા NEP-2020નાં મુખ્ય ક્ષેત્રોનાં અમલીકરણની વ્યૂહરચનાઓ, શ્રેષ્ઠ પદ્ધતિઓ, નવીન વિચારો અને સફળતાની ગાથાઓ પર પ્રકાશ પાડશે.
આ કોન્ફરન્સ એકબીજા પાસેથી શીખવા તથા રાજ્યભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં સહયોગ અને પ્રોત્સાહન આપશે. આ કોન્ફરન્સ દરમિયાન હિસ્સેદારો જે પડકારોનો સામનો કરી રહ્યા છે, તેની ચર્ચા કરશે અને પડકારોનો સામનો કરવા માટે અપનાવવામાં આવેલા પગલા વિશે પણ ચર્ચા કરશે, જે તમામ ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શક બનશે.
આ કોન્ફરન્સમાં ચાર સત્ર હશે અને તેના મુખ્ય વક્તાઓમાં સત્રના અધ્યક્ષ તરીકે ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગસચિવ પ્રો. અભય કરંદીકર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતામંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારી, અટલ ઇનોવેશન મિશનના મિશન ડાયરેકટરડૉ. ચિંતન વૈષ્ણવ, તેમજ યુજીસીના ચેરમેન પ્રો. જગદેશ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ સત્રમાં વક્તા તરીકે વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરઓ પોતાનું વક્તવ્ય આપશે.
