ખાદી અને ગ્રામોદ્યોગનું વેચાણ રૂ. 1.87 લાખ કરોડને પાર: છેલ્લા 12 વર્ષમાં રોજગારીમાં 56% નો રેકોર્ડ વધારો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના આહવાનને પગલે દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે પરિવર્તનનો એક નવો ઇતિહાસ રચાયો છે.
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના જાહેર કરાયેલા કામચલાઉ આંકડા મુજબ, ખાદી ઉત્પાદનોનું કુલ વેચાણ રૂ. 1,87,105 કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. વર્ષ 2013-14 ની સરખામણીએ છેલ્લા 12 વર્ષમાં વેચાણમાં 501 ટકા અને ઉત્પાદનમાં 380 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે.
નવી દિલ્હી ખાતે આ આંકડા જાહેર કરતા KVIC ના ચેરમેન મનોજ કુમારે જણાવ્યું હતું કે, આ અસાધારણ સફળતા 'વિકસિત ભારત@2047' ના સંકલ્પને વધુ મજબૂત કરે છે. છેલ્લા 12 વર્ષમાં આ ક્ષેત્રે 2.04કરોડ લોકોને રોજગારી પૂરી પાડી છે, જે રોજગાર સર્જનમાં ૫૬ ટકાનો વધારો દર્શાવે છે. આ પ્રવૃત્તિઓમાં ગ્રામીણ કારીગરોના મહેનતાણામાં પણ 275 ટકા સુધીનો મોટો વધારો કરાયો છે, જેનાથી પ્રતિ આંટી મહેનતાણું રૂ. 4 થી વધીને રૂ. 15 થયું છે.આ અહેવાલમાં મહિલાઓની ભાગીદારી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી છે. ખાદી ક્ષેત્રના અંદાજે 5 લાખ કારીગરોમાં મહિલાઓનો હિસ્સો 80 ટકાથી વધુ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ વર્ષ 2025-26 માં 66,494 નવા એકમો સ્થાપીને 7.31 લાખ લોકોને રોજગારી અપાઈ છે. દેશમાં ચાલેલા 'હર ઘર તિરંગા' અભિયાનની અસરને પગલે ખાદીના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ પણ રૂ. 0.87 કરોડથી વધીને રૂ. 2.35 કરોડ પર પહોંચ્યું છે, જ્યારે ખાદી ઉત્પાદનોની સરકારી ખરીદી રૂ. 92.08 કરોડ નોંધાઈ છે.
