ભરૂચ :શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ
Live TV
-
ભરૂચના આત્મીય હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ નિમિત્તે શુક્લ યજુર્વેદ ઘન પારાયણ અને ગરિમાપૂર્ણ ‘વેદમૂર્તિ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલે 19 વર્ષની નાની વયે 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર "દંડકમ" પારાયણ કરનાર વેદમૂર્તિ દેવવ્રત રેખે સહિત કુલ આઠ જેટલા ઘનપાઠી વિદ્વાનોનું પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભારત દેશ અને આપણી પરંપરાનું મૂળ 'વૈદિક સંસ્કૃતિ' છે. વિદેશી આક્રમણકારો દ્વારા ભારતના જ્ઞાનભંડાર અને ગ્રંથોને સળગાવીને નષ્ટ કરવાના પ્રયાસો છતાં આપણો આ અમૂલ્ય વારસો અક્ષુણ્ણ રહ્યો છે, જેનો શ્રેષ્ઠ શ્રેય વૈદિક બ્રાહ્મણ પરિવારોને જાય છે જેમણે વેદોને કંઠસ્થ રાખીને પેઢી દર પેઢી જીવંત રાખ્યા છે. તેમણે ઉમેર્યું કે, જો રાષ્ટ્રને ફરીથી વિશ્વગુરુ અને આધ્યાત્મિક કેન્દ્ર બનાવવું હોય તો આપણે સૌએ વેદો તરફ પાછા વળવું પડશે.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણથી થઈ હતી, જેમાં પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર યોગેશ કાપસે સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
