ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો,અત્યાર સુધીમાં 113 કેસ નોંધાયા
Live TV
-
ગાંધીનગર શહેરના સેકટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે. જે અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે.
જાહેર સ્વાસ્થ્યના હિતમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. આજરોજ હાથ ધરવામાં આવેલી આ સઘન ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા કુલ 100થી વધુ લારીઓ અને સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ શંકાસ્પદ ટાઈફોડના 113કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી 19 ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અન્ય ૯૪ દર્દીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર 24 અને 29 ના UHCમાં સારવાર અપાઈ રહી છે અને આ દર્દીઓની હાલત સ્થિર છે. અસર ગ્રસ્ત વિસ્તારોમાં 24×7 ઓપીડી શરૂ કરવામાં આવી છે .
