અમરેલીમાં 93 કરોડના ખર્ચે બનશે પુલ
Live TV
-
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ચાંચબંદરથી વિકટર પોર્ટને જોડતી દરિયાઈ ખાડી પર 93 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ચાંચબંદર ગામ 10 હજારથી વધુની વસ્તી ધરાવે છે, જેમાં મોટાભાગે કોળી સમાજના અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે. આ ગામના લોકોને રાજુલા પહોંચવા માટે 40 કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ અને મજૂરી કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ગ્રામજનો દ્વારા વર્ષોથી રાજ્ય સરકાર સમક્ષ આ પુલ બનાવવાની રજૂઆતો કરવામાં આવી રહી હતી. સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને મંત્રી કૌશિક વેકરિયા સહિત પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી, જેના પરિણામે આ પુલને મંજૂરી મળી છે.
આ પુલના ખાતમુહૂર્તથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાંચબંદર ગામના આગેવાન કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી આ પુલની માંગણી કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, 2011થી આ સમસ્યા હતી અને અગાઉ આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે આ પુલ 30 કરોડમાં બનતો હતો, જે હવે 93 કરોડમાં બનશે.
આ પુલ બનવાથી આજુબાજુના ગામડાઓમાં મજૂરી કરવા જતા લોકો, બાળકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબ મોટો ફાયદો થશે. હવે તેઓ રોજ જઈને સાંજે પરત આવી શકશે, કારણ કે અંતર ઘટી જવાથી સમય અને શ્રમ બંનેની બચત થશે.
