Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં પ્રથમવાર 'વાઈસ ચાન્સેલર મીટ'નું આયોજન: યુનિવર્સિટીઓ શિક્ષણની સાથે સંશોધન અને ઉદ્યોગસાહસિકતાના કેન્દ્રો બને તે જરૂરી

Live TV

X
  • ગાંધીનગરમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ 'વાઈસ ચાન્સેલર મીટ'માં યુનિવર્સિટીઓને શિક્ષણની સાથે સંશોધન, AI અને ઉદ્યોગસાહસિકતાના કેન્દ્રો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યની તમામ ફેકલ્ટીમાં આધુનિક ટેકનોલોજીકલ અભ્યાસક્રમો દાખલ કરી રોજગારીની તકો વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે નવીન પરિવર્તનો લાવવા માટે GIL અને GNLU વચ્ચે મહત્વના MoU પણ કરવામાં આવ્યા હતા.

    ગુજરાતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર મીટ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓએ હાજરી આપી હતી. આ મંથનનો મુખ્ય સૂર એ હતો કે વિશ્વના બદલાતા પ્રવાહો સાથે તાલ મિલાવવા માટે યુનિવર્સિટીઓએ હવે માત્ર શિક્ષણ કેન્દ્રો મટીને શોધ અને નવીનતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવું પડશે.

    વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવામાં ટેકનોલોજીનો ફાળો

    મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવા માટે વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સેમીકન્ડક્ટર ક્ષેત્રે દેશનું હબ બનવા જઈ રહ્યું છે ત્યારે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (R&D) માટે યુનિવર્સિટીઓએ અલગ વ્યવસ્થા અને વાતાવરણ ઊભું કરવું જોઈએ. રાજ્ય સરકાર શિક્ષણ અને સંશોધન માટે કટિબદ્ધ છે, જેનો પુરાવો ચાલુ વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવેલી રૂ. 62 હજાર કરોડની માતબર રકમ છે.

    અભ્યાસક્રમોમાં AI અને આધુનિક ટેકનોલોજીનો સમાવેશ

    બેઠક દરમિયાન મંત્રીએ ભાર મૂક્યો હતો કે આર્ટસ, કોમર્સ કે સાયન્સ - તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને કોમ્પ્યુટર આધારિત અભ્યાસક્રમો હોવા જોઈએ. આ પરિવર્તનથી નવી પેઢી આધુનિક પ્રવાહોથી માહિતગાર થશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે. કાર્યક્રમ દરમિયાન GIL અને GNLU વચ્ચે AI સહિતની વિવિધ ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના MoU પણ કરવામાં આવ્યા હતા, જે શૈક્ષણિક અને ટેકનોલોજીકલ સમન્વયની દિશામાં એક મોટું પગલું છે.

    શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ અને ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત

    શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી યોજનાઓના કારણે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમારે પણ નોંધ્યું હતું કે ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રોગ્રામમાં બદલાવથી પ્રવેશ સંખ્યામાં વધારો થયો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતીએ યુનિવર્સિટીઓને સંશોધન કાર્યમાં વિભાગ તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.

    મુખ્ય ચર્ચાના વિષયો અને ભાવિ સંકલ્પ

    આ એક દિવસીય વિચારમંથનમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી:

    •  STEM શિક્ષણ અને ક્ષમતા વિકાસને મજબૂત બનાવવો.
    • નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને આઈ.પી.આર. સંસ્કૃતિને પ્રોત્સાહન.
    •  ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના સહકારને વધુ ગાઢ બનાવવો.

    કાર્યક્રમના અંતે તમામ નીતિ નિર્માતાઓ અને કુલપતિઓએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે તેઓ ગુજરાતને વૈશ્વિક વિજ્ઞાન-ટેકનોલોજી હબ તરીકે સ્થાપિત કરવા અને વૈજ્ઞાનિક રીતે સશક્ત યુવાધન તૈયાર કરવા માટે ખભેખભા મિલાવીને કાર્ય કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply