ગાંધીનગર : ઉદ્યોગ મંત્રી બલવંત રાજપુતના અધ્યક્ષ સ્થાને "બ્રિક્સ - યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન"નો શુભારંભ સમારોહ યોજાયો
Live TV
-
નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત "બ્રિક્સ - યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન"નો શુભારંભ સમારોહ ઉદ્યોગ મંત્રી બલવંત રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંત રાજપુતે જણાવ્યું હતું કે, આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્રમોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરી હતી. આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય પ્રધાનમંત્રીને જાય છે.
મંત્રી બલવંત રાજપુતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશમાં છેલ્લા 20 વર્ષમાં 33 ટકા નિકાસ કરતું રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં 18 ટકાથી વધુ ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્ય કરે છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો અંદાજે 8.4 ટકા જેટલો છે. જેના પરિણામે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નો થકી આપણો દેશ અર્થ વ્યવસ્થામાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આજે 21મી સદીમાં દેશના યુવાનો ટેક્નોલોજી અને ડિજિટલ યુગમાં પોતાના પગભર થઈ શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. હાલમાં અમલી સ્ટાર્ટ અપ પોલિસી થકી રાજ્યમાં અંદાજે 12 હજારથી વધુ તથા સમગ્ર દેશમાં અંદાજે 1 લાખ 50 હજાર કરતાં વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે. આજે ગુજરાત યુવાઓને સ્ટાર્ટ અપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે અગ્રણી રાજ્ય બન્યું છે.
સમારોહના પ્રારંભે NFSUના કેમ્પસ ડિરેક્ટર એસ. ઓ. જુનારેએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે આ એક દિવસીય કાર્યક્રમના મહત્વપૂર્ણ ઉદ્દેશ્યો જણાવીને સમગ્ર દિવસ દરમિયાન યોજાનાર વિવિધ સત્રો, પેનલ ચર્ચા સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી.
આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લ, GCTCના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર શ્રી ઝફર સરેશવાલા સહિત ભારત સરકાર, ગુજરાત સરકાર, GCTCના અધિકારી-કર્મચારીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.