રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં GTUનો 14મો દીક્ષાંત સમારોહ યોજાયો
Live TV
-
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવનમૂલ્યો પણ અપનાવવા જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર નથી, પરંતુ જીવનના નવા અધ્યાયનો આરંભ છે. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય ફક્ત ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ માનવતાના ઉચ્ચતમ મૂલ્યોને આત્મસાત કરવાનો છે. જ્યાં સુધી આપણે શિક્ષણને રાષ્ટ્રના હિત સાથે નહીં જોડીએ, ત્યાં સુધી તે અધુરુ છે.
રાજ્યપાલે વિદ્યાર્થીઓને કુળની પ્રતિષ્ઠા વધે, સમાજનું ગૌરવ વધે અને ભારતનો વૈભવ વધે એવું જીવન જીવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપતાં કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન જ શિક્ષણનો ખરો ઉદ્દેશ છે. તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ પોતાની પ્રતિભા અને જ્ઞાન રાષ્ટ્ર નિર્માણ અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરે.
આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, લાર્શન એન્ડ ટુબ્રોના ડાયરેક્ટર અને ઉપાધ્યક્ષ જયંત પાટીલ, GTU ના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર, ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર અને અનેક વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજયપાલે પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીને વિદ્યાર્થીઓની સફળતા આપણા દેશની પ્રગતિ અને વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, દીક્ષા મેળવવાથી શિક્ષાનો અંત નથી આવતો, પરંતુ વિદ્યાર્થી તરીકે મળેલા જ્ઞાનનો સમાજ માટે ઉપયોગ કરવાનો સમય હવે શરૂ થવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં જ્ઞાન, સંસ્કૃતિ અને શાસ્ત્રોની ઉજ્જવળ પરંપરા રહી છે. વિજ્ઞાન, ગણિત, ચિકિત્સા, એટોમિક એનર્જી સહિતનાં તમામ ક્ષેત્રે ભારતીય ઋષિ -મુનિઓએ કરેલાં શોધ-સંશોધનો આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.