જામનગરમાં કોંગો ફીવરની એન્ટ્રી, એક દર્દીનું મૃત્યુ, આરોગ્ય વિભાગે હાથ ધર્યો સર્વે
Live TV
-
જામનગરમાં અઠવાડિયા અગાઉ એક દર્દી સરકારી જી.જી. હોસ્પિટલમાં કોઈ બીમારીની સારવાર અર્થે દાખલ થયા હતાં. આ દર્દીનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેનું મૃત્યુ નિપજતા આરોગ્ય ભાગની ટીમે તાકીદે દર્દી જે વિસ્તારના રહેવાસી હતા તે પંચેશ્વર ટાવર આસપાસના રહેણાક વિસ્તારમાં ઘરે ઘરે ફરીને તપાસ હાથ ધરી તથા સર્વેની કામગીરી કરી હતી.
જામનગરમાં ફરી કોંગો રોગનો વાયરસ દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય એક આધેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ટીમે સંબંધિત વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને સર્વે હાથ ધર્યો હતો.
50 વર્ષિય આધેડને તાવ આવતા તેમને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં અને તેમનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં જેમાં કોંગો ફીવર પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. કોંગો ફીવર રિપોર્ટ પછી જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે, જામનગરમાં ક્રિમિઅન-કોંગો હેમરેજિફ ફીવરનો પ્રથમ કેસ વર્ષ 2019 માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ મહિલા તબીબને કોંગો થયો હતો. હવે ફરી પાંચ વર્ષ પછી ફોંગો વાયરસ દેખાતા શહેરીજનોમાં ભારે ગભરાટનો માહોલ પ્રસરી ગયો છે.
આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને ચક્કર આવવા, સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુઃખાવાની ફરિયાદ મોં, ગળા અને સ્ક્રીન પર ફોલ્લીઓ થવી વગેરે લક્ષણો છે.