ગાંધીનગર : કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ વૃક્ષારોપણ યોજાયું
Live TV
-
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જિલ્લા કલેકટર મેહુલ દવેના હસ્તે પીપળાનું વૃક્ષ વાવીને ગામમાં 500 વૃક્ષો વાવવાના ઉમદા કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નારદીપુર ગામ ખાતે તળાવના ફરતે બનાવવામાં આવેલા ઘ્યાનકર્ષિત બગીચામાં અને તળાવની ફરતે 250 જેટલા રોપાઓનું આજે વાવેતર કરવામાં આવ્યું હતું. આવતીકાલ સુઘી ગ્રામ પંચાયતની જમીન, શાળાના પટાંગણ, ગ્રામ પંચાયત કચેરી, ઘાર્મિક સ્થળો, આરોગ્ય કેન્દ્ર ખાતે રોપાઓની વાવણી કરવામાં આવશે.
જિલ્લા કલેકટરે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીઘી હતી. જરૂરી દસ્તાવેજો, પત્રકો અને દફતરની ચકાસણી કરી હતી. તેમજ ગામનો કોઇપણ નાગરિક સરકારની વિવિધ યોજનાના લાભથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા માટે સરપંચ, તલાટી અને ગામના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. તે પછી નજીકમાં આવેલા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીઘી હતી.
આ મુલાકાત દરમ્યાન તેમણે સૌ પ્રથમ કેસ બારીની રૂમમાં જઇને નિયમિત કેટલી ઓ.પી.ડી નોંધાય છે, તેની ખાતરી કરી હતી. તેમજ મેડિકલ ઓફિસર પાસેથી મહિનામાં કેટલા દર્દીઓ લાભ લે છે, કેટલી પ્રસુતિ કરવામાં આવે છે, જેવી બાબતોની માહિતી મેળવી હતી. તેમજ આરોગ્ય કેન્દ્રના સ્ત્રી- પુરૂષ ઇમરજન્સી રૂમ, નર્સિગ રૂમ, જનરલ ઓ.પી.ડી. રૂમ સહિત આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતાનું પણ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
નારદીપુર ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે ગયેલા જિલ્લા કલેકટર મેહુલ દવેએ શાળામાં જતાંની સાથે જ ઓચિંતા એક કલાસ રૂમમાં શિક્ષક ભણાવતાં હતા, ત્યાં ગયા હતા. તેમણે શિક્ષક દ્વારા તેમની પ્રવૃત્તિ ચાલુ રાખવા જણાવ્યું હતું. શિક્ષકનું કામ પૂર્ણ થયા બાદ કલાસના બાળકો સાથે વાતચીત કરીને તેમના જ્ઞાન સાથે યાદ શક્તિનો ટેસ્ટ લીઘો હતો. તેમણે કલાસ રૂમના ત્રણ બાળકોને આજે કંઇ પ્રાર્થના કરી, ગઇકાલે કઇ પ્રાર્થના કરી તેમજ પાઠયાપુસ્તકમાંથી પ્રશ્ન કર્યા હતા.
