ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુલ જનરલે મુલાકાત કરી
Live TV
-
જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુલ જનરલ યાગી કોજીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી.
કૉન્સ્યુલ જનરલે ગુજરાતની તેમની આ મુલાકાતને આનંદદાયક ગણાવતા મુખ્યમંત્રીસાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશીપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને આભારી છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બે રાષ્ટ્રો વચ્ચે બિઝનેસ અને ઇકોનોમી ક્ષેત્રના સંબંધોની નવી દિશા આના પરિણામે ખુલી છે અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાએ જાપાનના અનેક ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા છે.
જાપાનના કૉન્સ્યુલ જનરલે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ 2024માં સુઝુકી મોટર્સે ગુજરાતમાં પોતાના એક્સપાન્શન પ્રોજેક્ટની જાહેરાત કરેલી છે. એટલું જ નહિં, જાપાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપનીઝ સાથે કોલૅબરેશન કરીને ગુજરાતમાં આવવા ઉત્સુક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉત્સુકતાની સરાહના કરતાં કહ્યું હતું કે, આવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી સ્થળ અને જમીન પસંદગી તથા ફાળવણીમાં રાજ્ય સરકાર જરૂરી મદદ કરશે. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ ની ઉત્તરોત્તર જ્વલંત સફળતાઓમાં જાપાનની સહભાગીદારી ની પ્રસંશા કરી હતી.
જાપાનના કૉન્સ્યુલ જનરલ યાગી કોજીએ આ બેઠકની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ઓટોમોબાઇલ અને સેમિકોન ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન એમોનિયા પ્રોજેક્ટમાં પણ ગુજરાત સાથે રોકાણની સંભાવના રહેલી છે.
તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મેટ્રો રેલ, ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર વગેરેમાં જાપાનની પ્રેઝન્સ છે તેને વધુ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિસ્તારવા અંગે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૉન્સ્યુલ જનરલને કચ્છના હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર થયેલ સ્મૃતિભેટ આપી હતી.
