ગામડાંના ખેડૂત અને પશુધનની સ્થિતિ સુધારવી એ જ ખરા અર્થમાં 'રાષ્ટ્રધર્મ': રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો 12મો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો.
આ સમારોહમાં પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના કુલ 676 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં પી.એચ.ડી. સ્નાતકોનો પણ સમાવેશ થાય છે. તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે 92 ચંદ્રકો એનાયત કરી સન્માનિત કરાયા હતા.દીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, માત્ર નોકરી મેળવવી એ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ, પરંતુ સાચું જીવન બીજાના કલ્યાણ માટે જીવવામાં છે. તેમણે યુવા પશુચિકિત્સકોને આહવાન કર્યું હતું કે તેઓ ઓફિસ છોડીને સીધા ખેડૂતોના દ્વાર સુધી પહોંચે. રાજ્યપાલશ્રીએ ભારતીય નસ્લની ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધન પર ભાર મૂકતા ઉમેર્યું કે, જો પશુઓની ઓલાદ સુધરે તો પશુપાલકોની આવક ચોક્કસપણે બમણી થઈ શકે છે.
રાસાયણિક ખેતીના જોખમો વિશે ચેતવણી આપતા રાજ્યપાલએ જણાવ્યું કે, યુરિયા અને ડીએપી જેવા ખાતરોએ ધરતીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે પશુપાલનને પ્રાકૃતિક ખેતીનો આધાર ગણાવ્યો હતો અને દેશી ગાયના સંવર્ધન દ્વારા ઝેરમુક્ત ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે પશુપાલન મંત્રી જીતુ વાઘાણી અને પદ્મશ્રી ડૉ. એન. પુન્નીયામૂર્તિએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટી દ્વારા હેસ્ટર બાયોસાયન્સિસ, આણંદ એનિમલ હેલ્પલાઇન અને બનાસ ડેરી જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ અને પશુપાલન વિષયક પુસ્તકોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે કુલપતિ પી. એચ. ટાંકે સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની સિદ્ધિઓની વિગતો આપી હતી. સમારોહમાં વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, રજિસ્ટ્રાર અને વિદ્યાર્થીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
