ગીરમાં સિંહોના મોત બાદ વન વિભાગ એલર્ટ મોડ પર
Live TV
-
ગીરના જંગલ વિસ્તારમાં સિંહોમાં જોવા મળેલા બેબેસિઓસિસ અને કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસના કેસોને પગલે સમગ્ર વનતંત્ર સતર્ક બન્યું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં આઠ સિંહોના મોત થતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે PMO દ્વારા પણ સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ ગીર પહોંચી તપાસ અને સમીક્ષા કરી રહી છે.ભાવનગર જિલ્લામાં હાલમાં અંદાજે 118 સિંહો નોંધાયેલા છે, જેમાંથી લગભગ 50 જેટલા સિંહોનો કાયમી વસવાટ હોવાનું માનવામાં આવે છે. આ તમામ સિંહો પર વન વિભાગ દ્વારા વિશેષ મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.વિભાગ દ્વારા અત્યાર સુધી 19 સિંહોને જરૂરી રસી આપવામાં આવી છે જ્યારે અન્ય સિંહો માટે પશુચિકિત્સકોની ટીમ સતત કામગીરી કરી રહી છે.
વન વિભાગના કર્મચારીઓને સિંહોમાં કોઈપણ અસામાન્ય વર્તન કે રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ સિંહોના શ્વસનતંત્ર, પાચનતંત્ર અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ રોગમાં આંખ અને નાકમાંથી સ્ત્રાવ, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, અસામાન્ય વર્તન અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે.જ્યારે બેબેસિઓસિસ એક પ્રોટોઝોઆજન્ય રોગ છે, જે મુખ્યત્વે ટિક્સના કરડવાથી ફેલાય છે. આ રોગથી સિંહોમાં લોહીની ઊણપ, તાવ, ભારે નબળાઈ, ભૂખમાં ઘટાડો અને શરીરમાં ઓક્સિજનની અછત જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.જોકે હાલ સુધી ભાવનગર જિલ્લાના કોઈપણ સિંહમાં આવા લક્ષણો જોવા મળ્યા નથી, જે રાહતની બાબત છે. તેમ છતાં કોઈપણ સંજોગોમાં સિંહો સંક્રમણનો ભોગ ન બને તે માટે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર રહી કામગીરી કરી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.
