ગીર-સોમનાથ : રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'માં રાજ્યપાલએ સંબોધનને બદલે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે સમજ આપી હતી.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો-ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. 24% જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. આ પરિવર્તનના કારણે દિવાળીમાં વરસાદ થઈ રહ્યો છે.
ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, જ્યાં બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે. બીમારી નબળાને જ પકડે છે. આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા જ રહ્યાં.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, ખેડૂતભાઈઓની ગ્રંથી હોય છે કે વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે પરંતુ હકીકતમાં તેનાથી વિપરિત થઈ રહ્યું છે. આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના ૧૦ જેટલા સ્ટોલની રાજ્યપાલશ્રીએ પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી.
રાજ્યપાલનું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી નિદર્શિત કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી.
