રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો 16મો પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો 16મો પદવીદાન સમારોહ વેરાવળ ખાતે યોજાયો હતો.
રાજ્યપાલે દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે.
રાજ્યપાલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે. જે લોકો સંસ્કૃત નથી જાણતા તે અભાગી છે. ગાંધીજીની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, હું સંસ્કૃત નથી જાણતો તેનો રંજ છે. જે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે.
|
રાજ્યપાલએ યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ જ્યાં જળની જરૂર છે, ત્યાં જળસંરક્ષણ, જ્યાં વૃક્ષોની જરૂર છે, ત્યાં વૃક્ષારોપણ, જ્યાં દીન-દુખી લોકો છે, તેવા લોકોની સેવા, જ્યાં જમીન બંજર છે, ત્યાં પ્રાકૃતિક કૃષિ જેવા પ્રયત્નો દ્વારા સમાજસેવાના કાર્યો કરવા હાકલ કરી હતી.વેદવિજ્ઞાન વિશે રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજની પૃથ્વી બે અબજ વર્ષ જૂની છે. પશ્ચિમના અમુક વિજ્ઞાનીઓ એવું કહેતા હતા કે, પૃથ્વી ચપટી છે, ચોરસ છે. પરંતુ આપણા ઋષિ મુનિઓના શાસ્ત્રો દર્શાવે છે કે, સમગ્ર પૃથ્વી ગોળ છે અને આ કારણોસર જ તેના અભ્યાસને પણ ‘ભૂ-ગોળ’ કહીએ છીએ. જેમાં ખુદ ‘ગોળ’ શબ્દ ઈંગીત છે. આવા અલભ્ય અને ઐતિહાસિક જ્ઞાન વારસાનું આપણને ગૌરવ હોવું જોઈએ.
આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
