ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ માટે કૃષિ વિભાગ અને ISRO-SAC વચ્ચે 3 ઑક્ટોબરે MoU
Live TV
-
ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ વૈજ્ઞાનિક અને ડિજિટલ બનાવવા માટે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદ વચ્ચે 3 ઑક્ટોબરે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ MoU કરવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર સમારોહ યોજાશે.MoU અંતર્ગત સેટેલાઇટ ઇમેજિંગ, રિમોટ સેન્સિંગ, GIS અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીથી પાક વિસ્તાર, ઉત્પાદન અને પાક નુકસાનીનું સચોટ આંકલન કરવામાં આવશે. ખેડૂતોને વાવણીથી કાપણી સુધી પાકનું સ્વાસ્થ્ય, હવામાન, જમીનમાં ભેજ અને રોગ-જીવાત અંગે સ્માર્ટ કૃષિ સલાહ ઉપલબ્ધ કરાવવામાં આવશે.પૂર, દુષ્કાળ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોમાં સેટેલાઇટ ઇમેજરીથી પાક નુકસાનીનું આંકલન કરી રાહત-સહાયની કામગીરીમાં પણ મદદ મળશે. ISRO-SAC દ્વારા રાજ્યના અધિકારીઓ અને ટેકનિકલ ટીમોને GIS તથા રિમોટ સેન્સિંગ અંગે તાલીમ પણ આપવામાં આવશે.
