ગુજરાતનું ખીજડિયા પક્ષી અભયારણ્ય હવે બ્લેક-નેક્ડ સ્ટોર્કનું નવું સરનામું બન્યું
Live TV
-
ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલું અને વૈશ્વિક સ્તરે 'રામસર સાઇટ' તરીકે ઓળખાતું ખીજડિયા પક્ષી અભયારણ્ય હવે ભારતના સૌથી મોટા અને વિશિષ્ટ જળપક્ષીઓમાંના એક એવા બ્લેક-નેક્ડ સ્ટોર્ક માટે સુરક્ષિત અને મુખ્ય પ્રજનન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. વન્યજીવ (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2022ની અનુસૂચિ (2) હેઠળ રક્ષિત આ પક્ષીના પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર (Breeding Ecology) પર ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER / ગીર ફાઉન્ડેશન) દ્વારા હાથ ધરાયેલા તાજેતરના અભ્યાસમાં અત્યંત ઉત્સાહજનક તારણો સામે આવ્યા છે.
ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલું અને વૈશ્વિક સ્તરે 'રામસર સાઇટ' તરીકે ઓળખાતું ખીજડિયા પક્ષી અભયારણ્ય હવે ભારતના સૌથી મોટા અને વિશિષ્ટ જળપક્ષીઓમાંના એક એવા બ્લેક-નેક્ડ સ્ટોર્ક માટે સુરક્ષિત અને મુખ્ય પ્રજનન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. વન્યજીવ (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2022ની અનુસૂચિ (2) હેઠળ રક્ષિત આ પક્ષીના પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર (Breeding Ecology) પર ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER / ગીર ફાઉન્ડેશન) દ્વારા હાથ ધરાયેલા તાજેતરના અભ્યાસમાં અત્યંત ઉત્સાહજનક તારણો સામે આવ્યા છે.
પીઅર-રિવ્યુડ આંતરરાષ્ટ્રીય જર્નલ 'Journal of Threatened Taxa' માં પ્રકાશિત આ અભ્યાસ જુલાઈ 2024થી માર્ચ 2025 દરમિયાન ગીર ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકો સંદીપ મુંજપરા, દિવ્યરાજસિંહ જાડેજા, નિતા સોલંકી, અમિતકુમાર નાયક અને નિયામક બી.પી. પતી (IFS) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
અભ્યાસના મુખ્ય રસપ્રદ અને મહત્વપૂર્ણ તારણો:
-
100 ટકા પ્રજનન સફળતા (100% Fledging Success Rate): સંશોધકોએ અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કના 4 સક્રિય માળાઓનો ગહન અભ્યાસ કર્યો હતો. સામાન્ય રીતે આ પક્ષીઓમાં માળા ત્યજી દેવાના કે શિકારના કિસ્સા બનતા હોય છે, પરંતુ અહીં ચારેય માળામાંથી તમામ 8 બચ્ચાઓ (દરેક માળામાં 2 બચ્ચાં) સફળતાપૂર્વક બહાર આવ્યા હતા. દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ ખીજડિયામાં આટલો ઊંચો સફળતા દર નોંધપાત્ર બાબત છે.
-
મજબૂત પિતૃત્વ અને બાળ-સંભાળ (Parental Care): 320 કલાકથી વધુના અવલોકન અને 89 નિરીક્ષણો દરમિયાન જાણવા મળ્યું કે, પુખ્ત સ્ટોર્ક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહી બચ્ચાંનું રક્ષણ કરતા હતા. ખોરાક શોધવા માટેની 94% ઉડાનોમાં એક માતા-પિતા માળામાં બીજા પક્ષીનું સ્થાન લઈ લેતા હતા, જેથી ઈંડાં અને બચ્ચાં ક્યારેય અસુરક્ષિત ન રહે.
-
ગાંડા બાવળ પર બનાવ્યા માળા: સામાન્ય રીતે આ પક્ષીઓ મોટા કદના સ્થાનિક વૃક્ષો પર માળા બાંધે છે, પરંતુ ખીજડિયામાં ચારેય માળા જમીનથી 3થી 4.5 મીટરની ઊંચાઈએ ગાંડા બાવળના વૃક્ષો પર જોવા મળ્યા. આ બાબત દર્શાવે છે કે યોગ્ય સ્થાનિક વૃક્ષો ન હોય ત્યારે આ પક્ષી અનુકૂલન સાધીને બાવળ જેવા વૃક્ષોનો પણ આશ્રય લે છે.
-
અનુકૂળ પરિસ્થિતિક વાતાવરણ (Ecological Factors): માળાના તમામ સ્થળો 0.3 થી 0.7 મીટરની છીછરી ઊંડાઈ ધરાવતા પાણીના વિસ્તારો નજીક હતા. ખુલ્લું પાણી, જળસપાટી પરની વનસ્પતિ અને ઓછો માનવીય વિક્ષેપ હોવાથી માછલી, ઉભયજીવી અને જળચર જીવો જેવા વિપુલ ખોરાક સ્ત્રોત બચ્ચાઓને સરળતાથી મળી રહે છે.
અભયારણ્યમાં વસ્તી અને પ્રજનન ચક્ર:
અભ્યાસ દરમિયાન અભયારણ્યમાં 5 બિન-પ્રજનન પુખ્ત પક્ષીઓ સહિત કુલ 21થી વધુ કાળી ડોક ઢોંક નોંધાયા હતા. આ પક્ષીઓનું પ્રજનન ચક્ર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. ઓક્ટોબરની શરૂઆતમાં માળા બાંધ્યા બાદ ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆતમાં ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે અને ડિસેમ્બરના અંત સુધીમાં બચ્ચાં સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ માળામાંથી બહાર નીકળે છે.
રાજ્ય સરકાર અને નિષ્ણાતોનો પ્રતિભાવ:
-
વન અને પર્યાવરણ મંત્રી, શ્રી અર્જુન મોઢવાડિયા: "ગીર ફાઉન્ડેશનની સમગ્ર સંશોધન ટીમને અભિનંદન. આ અભ્યાસે બ્લેક-નેક્ડ સ્ટોર્કના વર્તન અને પરિસ્થિતિશાસ્ત્ર પર નવો પ્રકાશ પાડ્યો છે, જેના આધારે આ દુર્લભ પક્ષીના સંરક્ષણ માટે વધુ અસરકારક પગલાં લઈ શકાશે."
-
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી, શ્રી પ્રવિણ માળી: "મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ખીજડિયા પક્ષી અભયારણ્ય સહિતના કુદરતી વારસાના જતન માટે કટિબદ્ધ છે."
-
અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ), ડૉ. જયપાલ સિંહ: "સફળ પ્રજનન માટે માત્ર પાણી નહીં, પરંતુ યોગ્ય ખોરાક, છીછરું પાણી અને ઓછો માનવીય વિક્ષેપ જરૂરી છે. આ સંશોધન આવાસ વ્યવસ્થાપન (Habitat Management) માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે."
ખીજડિયા પક્ષી અભયારણ્યમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતા સતત સંરક્ષણ પ્રયાસો અને યોગ્ય પર્યાવરણીય સ્થિતિને કારણે જ આજે ગુજરાત જળપક્ષીઓના સંવર્ધન માટે સુરક્ષિત સ્વર્ગ સાબિત થઈ રહ્યું છે.
-
