ગુજરાતમાં અગનઝાળ: આગામી એક અઠવાડિયું ગરમીથી રાહત નહીં
Live TV
-
ગુજરાતમાં અગનઝાળ: આગામી એક અઠવાડિયું ગરમીથી રાહત નહીં
ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે અને નાગરિકો આ અઠવાડિયે પણ અગનઝાળમાંથી મુક્તિ મળે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.
અમદાવાદ-રાજકોટ સહિતના શહેરો ભઠ્ઠીની જેમ તપ્યા
આજે પણ રાજ્યના પ્રમુખ શહેરોમાં ગરમીનો માર અકબંધ રહ્યો હતો. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ વિવિધ શહેરોનું તાપમાન નીચે મુજબ નોંધાયું છે:
અમદાવાદમાં 43 તો રાજકોટ અને ગાંધીનગરમાં 42.5 અને સુરેન્દ્રનગરમાં 42. 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 41 અને ભાવનગરમાં 41. 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
28 મે સુધી તાપમાન ઊંચું જ રહેશે: હવામાન વિભાગ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે, આગામી 28 મે સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે, આગામી બે-ત્રણ દિવસ સુધી નાગરિકોએ આકરી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ, પણ ગુજરાતમાં વરસાદની રાહ લંબાશે
અસહ્ય ગરમી વચ્ચે ચોમાસાને લઈને રાહતના સમાચાર એ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ એકદમ અનુકૂળ બની રહી છે. જોકે, ગુજરાતના લોકોને વરસાદ માટે હજુ થોડી લાંબી રાહ જોવી પડશે. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, હાલ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ આગાહી નથી.
સામે આવી એડવાઈઝરી:
ગરમીના આ આકરા ગાળા દરમિયાન બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, સુતરાઉ કપડાં પહેરવા અને હીટ સ્ટ્રોકથી બચવા માટે સતત પાણી, છાશ કે લીંબુ પાણી જેવા પ્રવાહીનું સેવન કરતા રહેવું હિતાવહ છે.
