ગુજરાતમાં આગામી 24 કલાકમાં બેસશે વિધિવત ચોમાસુ, હવામાન વિભાગે કરી આગાહી
Live TV
-
ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ મેઘરાજાનું આગામન થઈ ગયુ છે. પ્રિ-મોન્સુન એક્ટીવીટી અંતર્ગત રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત ચોમાસાના પ્રારંભની આગાહી કરી છે. જે મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ જશે.
હવામાન વિભાગના નિષ્ણાંતોના મતે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં સૌથી પહેલા ચોમાસાનો વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે મંગળવારે ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.
આવતીકાલે બુધવારે 12 અને ગુરુવારે 13 જૂને સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં તો 14, 15 અને 16 જૂને નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ ,જૂનાગઢ અને તાપીમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજી બાજુ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોરવાહડફમાં એક ઈંચ કરતા વધુ જ્યારે ગાંધીનગરના કલોલમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
