ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના મહીસાગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ
Live TV
-
ગુજરાતમાં ચોમાસું વિધિવત્ રીતે બેસે તે પહેલાં જ વરસાદનું આગમન થઈ ગયું. ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના મહીસાગર જિલ્લામાં ધોધમાર ખેતી લાયક વરસાદ પડ્યો.
મહીસાગર જિલ્લામાં આવેલા ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના કડાણા તાલુકાના ડિટવાસ, સરસવા, ગોધર ઉત્તર, સહિત પુનાવાડા બોર્ડર વિસ્તારમાં ધોધમાર ખેતી લાયક વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ કડાણા તાલુકાના મીરાપુરા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક મકાન પાસે વીજળી પડી હતી. જ્યાં બાંધેલ બે પશુઓના મોત નિપજ્યા છે. મીરાપુર ગામના હરેશભાઈ ખાતરાભાઈના ઘર આગળ બાંધેલ એક ગાય તેમજ એક બળદ પર વીજળી પડી હતી. વીજળી પડતા બન્ને પશુઓના મોત નિપજ્યા છે. ત્યારે ખેડૂત પરિવારમાં બે પશુઓના મોતથી શોખ વ્યાપ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેમાં મહેસાણાના કડી પંથકમાં મોડી રાત્રે વરસાદ પડતા ગરમીની થોડી રાહત મળી હોય તેઓ અનુભવ જોવા મળ્યો હતો. એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ કડીમાં જોવા મળ્યું હતું. જે બાદ અચાનક જ પવનના સૂસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. તો અરવલ્લી જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સાંજે સાત વાગ્યે એકાએક પવન ફૂંકાયો હતો અને વવાઝોડા જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. તેમાં ખાસ યાત્રાધામ શામળાજી, રતનપુર બોર્ડર, અણસોલ સહિતનાં ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. જ્યારે મેઘરજ તાલુકાના કસાણા નવાગામ આસપાસ તોફાની વરસાદ જોવા મળ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કાગડોળે રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.
