ગુજરાતમાં આજથી દેશની પ્રથમ 'ડિજિટલ વસ્તી ગણતરી'નો પ્રારંભ
Live TV
-
ગુજરાતમાં આજથી દેશની પ્રથમ 'ડિજિટલ વસ્તી ગણતરી'નો પ્રારંભ: પૂછાશે 33 પ્રશ્નો, 2027માં થશે જાતિ ગણતરી
ગુજરાત સહિત દેશભરમાં આજથી વસ્તી ગણતરીના મહાઅભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યભરમાં આજથી એટલે કે 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન પ્રથમ તબક્કા હેઠળ 'ઘર-યાદી' (House Listing) અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમ (મોબાઇલ એપ/પોર્ટલ) દ્વારા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2011માં પરંપરાગત રીતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ હવે 15 વર્ષ પછી આ પ્રક્રિયા ડિજિટલ અવતારમાં શરૂ થઈ છે. વસ્તી ગણતરી નિયામક દ્વારા રાજ્યના તમામ નાગરિકોને આ રાષ્ટ્રહિતના કાર્યમાં ઉત્સાહભેર સહભાગી થવા અને સાચી વિગતો આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કો (1 જૂન થી 30 જૂન, 2026): પૂછાશે આ 33પ્રશ્નો
આજથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં ગણતરીદારો તમારા ઘરે આવીને મકાન અને સુવિધાઓ સંબંધિત કુલ ૩૩ પ્રશ્નો પૂછશે. જેમાં મુખ્યત્વે મકાનનો પ્રકાર, માલિકી અને દીવાલ/છત મટીરિયલ, પરિવારમાં સભ્યોની સંખ્યા અને ઘરના વડાની માહિતી, પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, વીજળી અને શૌચાલયની સુવિધા, ઘરમાં રહેલા વાહનો, ટીવી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર કે અન્ય ડિજિટલ સાધનોની વિગતો એકત્રિત કરવામાં આવશે
બીજા તબક્કામાં થશે વસ્તી અને 'જાતિ ગણતરી'
આ મહાઅભિયાનનો બીજો તબક્કો આગામી વર્ષે એટલે કે 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે. બીજા તબક્કા દરમિયાન દેશભરમાં વસ્તીની વાસ્તવિક ગણતરીની સાથે-સાથે 'જાતિ ગણતરી'ની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ તબક્કા પૂર્ણ થતાં જ દેશની વસ્તી અને જ્ઞાતિવાર સચોટ આંકડા સામે આવશે, જે ભવિષ્યની સરકારી યોજનાઓ અને નીતિ ઘડતરમાં પાયાનો પથ્થર સાબિત થશે.
નાગરિકોને અપીલ
ડિજિટલ માધ્યમથી થનારી આ ગણતરી વધુ ઝડપી, સચોટ અને પારદર્શક રહેશે. તમારા ઘરે આવતા સરકારી પ્રતિનિધિઓને સાચો અને પૂરતો સહકાર આપી દેશના વિકાસના આ મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
