ગુજરાતમાં આજે કોરોનાનાં 93 નવા કેસ નોંધાયા, 2 દર્દીના મૃત્યુ તો 326 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. દેશમાં પણ કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કોરોનાના નવા 93 કેસ નોંધાયા હતા. સામે 326 દર્દીઓ સાજા થયા હતા. જયારે 2 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો સુરતમાં 22, અમદાવાદમાં 20, વડોદરામાં 15, રાજકોટમાં 8, અમરેલીમાં 4, જામનગરમાં 4, જૂનાગઢમાં 3, આણંદમાં 3, ગાંધીનગરમાં 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં આજે 2 લાખ 65 હજાર 614 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આમ, રાજ્યમાં અત્યાર સુધી 2 કરોડ 53 લાખ 93 હજાર 866 લોકોનું કોરોના રસીકરણ થઈ ગયું છે, આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.39 ટકા થયો છે.
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિની વાત કરીયે તો, દૈનિક કેસોની સંખ્યા છેલ્લાં 102 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 40 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમણના 37 હજાર 566 નવા કેસ નોંધાયા છે જ્યારે 56 હજાર 994 દર્દીઓ સ્વસ્થ થયાં છે. તેની સાથે જ રિકવરી રેટ વધીને 96.87 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવતા લોકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં 907 લોકોએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સક્રીય સંક્રમણના કેસની કુલ સંખ્યા 5 લાખ 52 હજાર 659 છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્ય સંયુક્ત સચિવ લવકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે દેશના 420 જિલ્લામાં સંક્રમણ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અઠવાડિયા દરમિયાન દૈનિક સરેરાશ નવા કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસના કુલ 51 કેસો નોંધાયા છે. આ વાયરસ અતિ સંક્રમક હોવાના વૈજ્ઞાનિક પુરાવા હજી મળ્યા નથી. તો નીતિ આયોગના સભ્ય વી.કે.પૌલે જાણકારી આપી હતી કે મોડર્ના વેક્સિનને ભારતના નિયામકોની મંજૂરી મળી ચુકી છે. તેમણે કહ્યું કે સિપ્લા કંપનીને આ વેક્સિનની આયાત અને માર્કેટિંગ માટે પણ મંજૂરી મળી ચુકી છે.
