ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ત્રણ ગામ દીઠ બે નિષ્ણાતો તાલીમ આપશે
Live TV
-
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવશે. બે વ્યક્તિઓમાં એક કોમ્યુનિટી રિસર્ચ પર્સન હશે અને બીજી પ્રાકૃતિક કૃષિ સખી - મહિલા હશે. ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે 4,854 ક્લસ્ટર્સની રચના કરવામાં આવી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે મંગળવારે (15 એપ્રિલ, 2025) રાજભવનમાં આયોજિત બેઠકમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ પી. ડી. પલસાણા, કૃષિ નિયામક પ્રકાશ રબારી અને આત્માના નિયામક સંકેત જોશી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક કૃષિ યોગ્ય પદ્ધતિથી અને પૂરી પ્રમાણિકતાથી થાય તો ખૂબ સારું પરિણામ મળે છે. આ માટે યોગ્ય તાલીમ અત્યંત જરૂરી છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 'ખેડૂતોને યોગ્ય અને અસરકારક તાલીમ મળે એ માટે તેમને તાલીમ આપનારા પ્રશિક્ષકોને પણ સમયાંતરે સઘન અને સુયોગ્ય તાલીમ મળતી રહે એ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ એ લોકોને જીવન આપનારું માનવતાનું કામ છે. પ્રાકૃતિક ખેતીનું કામ જ પૂજા છે.'
ગુજરાતના તમામ શહેરો અને તાલુકા મથકોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા અને આ વેચાણ કેન્દ્ર પર પ્રમાણિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ વેચાય તેની ચોકસાઈ રાખવા આ બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતો.