ગુજરાતમાં ફરીથી હીટવેવની આગાહી,ભૂજમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર
Live TV
-
રાજ્યમાં હાલ ધીરે ધીરે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી બે દિવસની હીટવેવની આગાહી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહ્યું હતું. આ સાથે ભૂજમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. કેટલાક જિલ્લાઓમાં તો 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ ઉકળાટ સાથે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવુ પડશે. હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠશે.
ગુજરાતમાં વધી રહેલી ગરમીનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. તેને કારણે ગરમ પવનો ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે. સાથે જ ગરમ પવનો ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે. જેને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન ઉકળાટનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ગતરાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેને કારણે રાત્રિ દરમિયાન પણ અમદાવાદમાં રહેતા શહેરીજનોને ઉકળાટનો અનુભવ થયો હતો. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના શહેરીજનોને વધુમાં વધુ પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું ખૂબ જ આવશ્યક રહેશે. કારણ કે, ગરમ પવનોને કારણે ગરમીનો પારો વધી રહ્યો છે. આથી ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ ખૂબ જ વધુ પ્રમાણમાં છે. શરીરને સતત પ્રવાહી આપવું ખૂબ જ જરૂરી રહેશે.
છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લાના ભુજ ખાતે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં અન્ય શહેરોમાં જેમ કે, રાજકોટમાં 41.1, અમરેલીમાં 40.4 અને ભાવનગરમાં 38.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજરોજ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે.