ગુજરાતમાં ભરઉનાળે વરસાદની આગાહી, કયા-કયા જિલ્લામાં વરસાદ પડશે?
Live TV
-
હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં બપોરના સમયે અગનવર્ષા જેવી જ સ્થિતિ અનુભવાઈ રહી છે.
પરંતુ આ ભરઉનાળામાં ભારતના હવામાન વિભાગે હવે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન જાણે સામાન્ય બની ગયું છે.
આવા સમયે કેટલાક વિસ્તારોમાં માવઠાં અને પવનની રાહત અનુભવાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
આજે 4 મેના રોજ રવિવારે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
સોમવારે 5મી મેના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કરા પડવાની શક્યતાઓ છે.
6ઠ્ઠી મેના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
મંગળવારે 7મી મેના રોજ મોટાભાગના ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત અને નર્મદામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે.
બુધવારે 8 મેના રોજ મેઘગર્જના અને 50-60 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ અને અમરેલી તથા ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે. આ તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે.
