ગુજરાતમાં ભરતીમેળાઓ થકી છેલ્લા 5 વર્ષમાં 6.54લાખથી વધુ યુવાનોને મળી રોજગારી
Live TV
-
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશને સફળતા પ્રાપ્ત થઈ છે.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં (વર્ષ 2021-22 થી 2025-26)માં રોજગાર ભરતીમેળાઓ થકી કુલ 6.54 લાખ કરતાં વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ મળી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ રોજગારી પૂરી પાડવા માટે સરકાર દ્વારા રાજ્યભરમાં 7,403 જેટલા મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ યુવાનોને તેમની લાયકાત મુજબ કામ મળી રહે તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વર્ષ 2025-26ના એક જ વર્ષમાં 1,333 રોજગાર ભરતી-મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1,15,774થી વધુ યુવાનોને રોજગારીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કોર્પોરેટ જગતની જાયન્ટ કંપનીઓ ઉતરી મેદાનમાં: આ રોજગાર મેળાની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં દેશની ટોચની કોર્પોરેટ કંપનીઓ સીધી જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ માટે આવી હતી. જેમાં ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, હોન્ડા મોટરસાયકલ, રિલાયન્સ જીઓ, આર્સેલર મિત્તલ, ટોરેન્ટ ફાર્મા અને અરવિંદ લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત ગ્રીન એનર્જી સેક્ટરમાં કાર્યરત અદાણી સોલર જેવી કંપનીઓએ પણ મોટા પાયે યુવાનોની પસંદગી કરી છે. સમગ્ર રાજ્યમાંથી 28,000થી વધુ નોકરીદાતાઓ આ રોજગાર-મેળામાં સામેલ થયા હતા.
46 રોજગાર કચેરીઓનું સુદ્રઢ નેટવર્ક: રોજગાર વિભાગ હાલમાં નોકરીવાંચ્છુ ઉમેદવારો અને કંપનીઓ વચ્ચે 'સેતુ' સમાન કામગીરી કરી રહ્યું છે. રાજ્યની 46 રોજગાર કચેરીઓ દ્વારા સૌપ્રથમ કંપનીઓની રોજગાર-જરૂરિયાત જાણવામાં આવે છે. ત્યારબાદ શાળા, કોલેજ કે ITI કેમ્પસનો સંપર્ક કરી સોશિયલ મીડિયા, ઇ-મેઇલ અને પત્ર વ્યવહાર દ્વારા લાયક ઉમેદવારોને જાણ કરાય છે. ભરતીમેળાના દિવસે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પૂર્ણ કરી પસંદગી કરવામાં આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત@2047'ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાધનનો રોલ મહત્વનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રઢ સંકલ્પ હેઠળ ગુજરાત રોજગાર ક્ષેત્રે અગ્રેસર રહીને આ ગ્લોબલ મિશનમાં અગ્રગણ્ય યોગદાન આપી રહ્યું છે.
