ગુજરાતમાં મહિલા શિક્ષણ અને વૈજ્ઞાનિક સશક્તિકરણનો નૂતન અધ્યાય: STEM ક્ષેત્રે નારી શક્તિનો ઉદય
Live TV
-
રાજ્ય સરકારના ‘સશક્ત મહિલા, સમૃદ્ધ ગુજરાત’ અભિગમે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે પગભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે મહિલા શિક્ષિત અને ટેકનોલોજીથી સજ્જ બને છે, ત્યારે તે માત્ર પોતાના પરિવારનું જ નહીં પણ આખા સમાજ અને રાજ્યના વિકાસને વેગ આપે છે. ચંદ્રયાન-3 ના લોન્ચિંગ સમયે મિશન મોનિટરિંગ સેન્ટરમાં સાડી પહેરેલી મહિલા વૈજ્ઞાનિકો જ્યારે જટિલ ગાણિતિક ગણતરીઓ અને સ્પેસ એન્જિનિયરિંગ સંભાળતી હતી, ત્યારે તે દ્રશ્ય વિશ્વ માટે ભારતની બદલાતી તસવીર હતી. આજે ગુજરાતની આશરે 9 લાખથી વધુ દીકરીઓ તે જ પથ પર આગળ વધીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરી રહી છે.
‘સા વિદ્યા યા વિમુક્તયે’ – અર્થાત વિદ્યા તે છે જે સર્વે બંધનોમાંથી મુક્તિ અપાવે છે. આ પ્રાચીન ભારતીય ઉક્તિ આજના આધુનિક યુગમાં ગુજરાતની દીકરીઓ સાર્થક કરી રહી છે. 8 માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે જ્યારે વિશ્વ નારી શક્તિની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ અને ખાસ કરીને વિજ્ઞાન-ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ એક નવો ઈતિહાસ રચી રહી છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો સાબિત કરે છે કે ગુજરાતની નારી હવે માત્ર ઘરના આંગણે જ નહીં, પણ અંતરિક્ષ અને વિજ્ઞાનના સીમાડાઓ સર કરવા સજ્જ બની છે.
શિક્ષણના આંકડાઓમાં નોંધપાત્ર ઉછાળો
તાજેતરની સામાજિક આર્થિક સમીક્ષા 2025-26ના આંકડાઓ મુજબ, ગુજરાતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓના પ્રવેશમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ 2023-24માં ઉચ્ચ શિક્ષણ મેળવતી દીકરીઓની સંખ્યા 8.82 લાખ હતી, જે માત્ર એક જ વર્ષમાં વધીને 2024-25માં 9.07 લાખ સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે વાલીઓમાં દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવાની જાગૃતિ વધી છે. માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં, પણ શૈક્ષણિક ક્ષેત્રે મહિલા શિક્ષકોની સંખ્યા પણ 31,259 થી વધીને 33,785 થઈ છે, જે શિક્ષણ જગતમાં મહિલાઓના નેતૃત્વને મજબૂત કરે છે.
STEM ક્ષેત્રે ગુજરાતી નારીનો દબદબો
વૈદિક કાળમાં જે રીતે ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા જેવી વિદૂષીઓએ જ્ઞાનના ક્ષેત્રે પ્રદાન આપ્યું હતું, તે જ વારસો આજે ઈસરો જેવી સંસ્થાઓમાં ચંદ્રયાન-3 મિશનમાં કાર્યરત મહિલા વૈજ્ઞાનિકોમાં જોવા મળે છે. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ ગુજરાતની દીકરીઓ આગળ વધી રહી છે. વર્ષ 2022-23માં ટેકનિકલ શિક્ષણમાં 24,732 વિદ્યાર્થીનીઓ હતી, જે 2024-25માં વધીને 31,887 થઈ ગઈ છે. ભારત સરકારના સર્વેક્ષણ મુજબ, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિષયોમાં કુલ નોંધણીમાં મહિલાઓની ૪૩ ટકા ભાગીદારી છે, જે દેશના ભાવિ માટે ખૂબ જ આશાસ્પદ સંકેત છે.
સંશોધન અને વિકાસમાં અગ્રેસર ગુજરાત
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેટેસ્ટિક રિપોર્ટ-2023 અનુસાર, દેશમાં સંશોધન પ્રવૃત્તિઓમાં STEM પ્રોફેશનલ તરીકે મહિલાઓની ભાગીદારી 18.6 ટકા છે. અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણ 2021-22 મુજબ, લિંગ આધારિત એનરોલમેન્ટમાં ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતમાં અત્યારે 1,18,748 મહિલાઓ અનુસ્નાતક કક્ષાએ અને 3,734 મહિલાઓ પીએચ.ડી. કક્ષાએ સંશોધન કરી રહી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે મહિલાઓ હવે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી સીમિત નથી, પરંતુ જ્ઞાનના ઉંડાણ અને સંશોધન ક્ષેત્રે પણ પોતાની મહોર મારી રહી છે.
સશક્ત મહિલા, સમૃદ્ધ ગુજરાત