ગુજરાતી ભોજનની થાળીને વિશ્વકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ
Live TV
-
તાજેતરમાં વિયેતનામ ખાતે પાક કલાની એક વૈશ્વિક કક્ષાની સ્પર્ધા માસ્ટર શેફ ક્લીનરી આર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભારત ઝળક્યું અને ખાસ તો ગુજરાતી થાળીને 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ અંકે કરીને ગુજરાતી થાળીના ગૌરવને વિશ્વ ક્ષેત્રે વધુ ગૌરવવંતુ કર્યું છે. 16 જેટલી ગુજરાતી ચટાકેદાર વાનગીમાં શરબતથી લઇને પાન અને ખાસ તો આરોગ્યપ્રદ ગણાતી સુખડીનો પણ સમાવેશ કરાયો હતો.
તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લીનરી આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિશ્વભરમાંથી 500 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગરના હિમાચલ મહેતા, અમદાવાદના દિવ્યા ઠક્કર અને સંધ્યા ઠક્કર એમ ત્રણ શેફની ટીમ દ્વારા 2 કલાકમાં ગુજરાતી થાળીમાં 16 વાનગીઓ બનાવી અને પીરસી હતી. ફાઇન ડાઈન કેટેગરીમાં ગુજરાતી થાળીને વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું હતું, જે ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરતા ખાદ્ય ખોરાકના હિમાચલ મહેતા તેમજ કુક વિથ કનીનીકા નામથી કલાસીસ ચલાવતા શેફ કનીનીકા મહેતા સાથે કુલ આઠ સ્પર્ધકો આ ગ્લોબલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા જ્યાં ભારતે પાક કળાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો.
આ સ્પર્ધામાં દિવ્યા ઠક્કરે ગોલ્ડ તેમજ સિલ્વર, સંધ્યા શાહે ગોલ્ડ તેમજ સિલ્વર, અલ્કા ભંડારીએ ગોલ્ડ તેમજ સિલ્વર, દેવાંગ મહેતાએ સિલ્વર, હિમાચલ મહેતાએ ગોલ્ડ, પલ્લવી પટેલે ગોલ્ડ, અંકિતા પટેલે બે સિલ્વર અને દર્શના જોષીએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.
આ સ્પર્ધાનું આયોજન વિયેતનામ શેફ એસોસિએશન દ્વારા થયું હતું. ભારત માટે ભારતના શેફ્સ દ્વારા જીતાયેલ આ સ્પર્ધા ભારતને વૈશ્વિક લેવલે એક નવી ઓળખ અપાવી છે.
કઇ કઇ ગુજરાતી વાનગી પીરસાયેલી
સંપૂર્ણ ગુજરાતી થાળી, સ્વાગતમાં શરબતથી છેલ્લે પાન સુધી પારંપરિક વાનગીનો રસથાળ અને આપણી પરંપરાગત થાળી અને વાટકીમાં પીરસ્યું હતું. આ વાનગીમાં કુલ 16 આઈટમ ત્યાં સ્થળ પર 2 કલાકના સમયગાળામાં બનાવીને પીરસવામાં આવી હતી જેમાં ગુલાબનું શરબત, ઓળો, રોટલો, ભાખરી, સેવ ટમેટાનું શાક, સુખડી, કઢી, ખીચડી, કેરીનું છીણ, કેરીનું અથાણું, ગ્રીન ચટણી, દ્રાક્ષનું અથાણું કોથમીરની વડી, છાસ, પાપડનું ચૂરી અને છેલ્લે પાન.