ગુજરાતમાં ઝરમર વરસાદ પડ્યો, સવારથી જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો
Live TV
-
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે. તો કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, કમોસમી વરસાદ થતાં કેસી, બાજરી, જુવાર અને ઘાસચારાને નુકસાન જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ રવિવારે (ચોથી મે) વહેલી સવારથી કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે. જેમાં સીધું ભવન રોડ, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે.
મહિસાગર અને મહેસાણામાં, ભરઉનાળે કમોસમી વરસાદ
મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મોડી રાતે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.
વડનગરમાં પણ અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર જ મહિસાગર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. અહીં ખાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.