ગુજરાત પોલીસના 'જનસંપર્ક કેન્દ્ર'થી નાગરિકોને ઝડપી ન્યાય: અરજદારો માટે બન્યું આશાનું કિરણ
Live TV
-
રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે 'જનસંપર્ક કેન્દ્ર' કાર્યરત કરવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સિંગલ-વિન્ડો વ્યવસ્થા નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોના ન્યાયસંગત નિરાકરણ માટે સક્ષમ માધ્યમ બની છે.રાજ્યના પોલીસ વડાએ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યાલય માત્ર અરજીઓ સ્વીકારવાનું સ્થળ નથી, પરંતુ ગુજરાત પોલીસની 'સુરક્ષા, સેવા અને વિશ્વાસ'ની ભાવનાનું પ્રતિક છે. સામાન્ય નાગરિકને સન્માન સાથે સાંભળી, જિલ્લા કક્ષાના પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને નિર્ધારિત સમયમાં ફરિયાદનો ઉકેલ લાવવો એ જ આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે.રિસેપ્શન ડેસ્ક પર અરજદારની વિગતોની પ્રાથમિક નોંધણી અને તણાવમુક્ત વાતાવરણમાં સુનાવણી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને કેસની નોંધ.ફરિયાદોને સંબંધિત જિલ્લા કે શહેર પોલીસ એકમોમાં મોકલી નિર્ધારિત સમયમાં અહેવાલ મેળવવો.સેવાના ગુણવત્તાયુક્ત સુધારા માટે કાર્યાલય અને જિલ્લા સ્તરે ફીડબેક પ્રણાલી.અગાઉ અરજદારોએ પોતાની રજૂઆત માટે અલગ-અલગ કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા, જેનો હવે અંત આવ્યો છે. ભાવનગરના અરજદાર જીગરભાઈ ભટ્ટના કેસમાં ત્વરિત પોલીસ કાર્યવાહીથી આરોપીની ધરપકડ થતા તેમને સમયસર ન્યાય મળ્યો હતો. સાણંદના નાગરિક નરેશભાઈ દુલેરાએ આ પહેલને ગરીબ અને સામાન્ય માણસ માટે ન્યાય મેળવવાનું ઉત્તમ માધ્યમ ગણાવ્યું હતું.આ લોકભોગ્ય અને પારદર્શક અભિગમ દ્વારા ગુજરાત પોલીસ જનતા સાથે વિશ્વાસનો મજબૂત સેતુ બાંધી રહી છે.
