ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો ત્રીજો દિવસ
Live TV
-
ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો ત્રીજો દિવસ: ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગવાની શક્યતા
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો સતત ત્રીજો અને નિર્ણાયક દિવસ છે. આ બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોના નામો નક્કી કરવા માટે મેરેથોન મંથન ચાલી રહ્યું છે.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. છેલ્લા બે દિવસથી દરેક બેઠક દીઠ મંગાવવામાં આવેલી પેનલો અને સંભવિત ઉમેદવારોના બાયોડેટા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.
પક્ષ આ વખતે અનેક જગ્યાએ નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક બેઠકો પર એન્ટી-ઇન્કમ્બન્સી ટાળવા માટે 'નો-રિપીટ થીયરી' અપનાવવામાં આવી શકે છે. દરેક વોર્ડ અને જિલ્લાના જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને વિજેતા ઉમેદવારની પસંદગી પર ભાર મુકાઈ રહ્યો છે.
આજે જાહેર થઈ શકે છે પ્રથમ યાદી
બેઠકના ત્રીજા દિવસે એવી પ્રબળ શક્યતા છે કે ભાજપ દ્વારા સાંજ સુધીમાં તબક્કાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને જે મહાનગરપાલિકાઓમાં પેનલો નક્કી થઈ ગઈ છે, ત્યાંના નામો સૌપ્રથમ સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે.
