ગુજરાત ભાજપ સંગઠનની જાહેરાત; 10 મંત્રી, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી સહિત 27ની ટીમ
Live TV
-
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈને લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા માળખામાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત ભાજપમાં ઘણા સમય બાદ આજે સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ મહામંત્રી, મંત્રી સહિતાના પદોની જાહેરાત કરવામાં આવી છે. 10 ઉપપ્રમુખ, 04 મહામંત્રી, 10 મંત્રી જાહેર કરવામાં આવ્યા છે. અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રમ્હભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મહામંત્રી બનાવાયા છે. જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે ડૉ. અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
સંગઠનમાં સૌથી મહત્વનું ગણાતું પદ એટલે કે મહામંત્રી. આ વખતે ભાજપે ચાર મજબૂત નેતાઓને આ જવાબદારી સોંપી છે:
અનિરુદ્ધ દવે: કચ્છ-સૌરાષ્ટ્ર પંથકના મજબૂત નેતા.
પ્રશાંત કોરાટ: યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને પાટીદાર ચહેરો.
અજય બ્રહ્મભટ્ટ: સંગઠન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા નેતા.
હિતેન્દ્રસિંહ ચૌહાણ: ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરીકે મહત્વની જવાબદારી.
નવી ટીમમાં અનુભવ અને ઉત્સાહનો સંગમ જોવા મળી રહ્યો છે:
ઉપપ્રમુખ: કુલ 10 નેતાઓને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે, જેઓ અલગ-અલગ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
મંત્રી: સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા માટે 10 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
યુવા મોરચાની કમાન: વડોદરાના સાંસદ હેમાંગ જોશીને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ બનાવીને યુવા શક્તિ પર ભરોસો મૂકવામાં આવ્યો છે.
પાર્ટીનો પક્ષ મીડિયા અને જનતા સમક્ષ મજબૂતીથી મૂકવા માટે ડૉ. અનિલ પટેલની નિમણૂક મુખ્ય પ્રવક્તા તરીકે કરવામાં આવી છે. ડૉ. અનિલ પટેલ અગાઉ પણ પક્ષના વિવિધ પદો પર રહી ચુક્યા છે અને તેમની સ્પષ્ટવક્તા તરીકેની છાપ પાર્ટીને ફાયદો કરાવી શકે છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ આ પહેલું મોટું વિસ્તરણ છે. આ ટીમની રચનામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમ તમામ ઝોનનું સંતુલન જાળવવામાં આવ્યું છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠન પર્વને ગતિ આપવા માટે આ ટીમ મહત્વની ભૂમિકા ભજવશે.
