Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સેમ.1 અને સેમ.2ની અંગ્રેજી પેટર્નને બદલે હવે પ્રથમ વાર બે ભારતીય શૈક્ષણિક સત્ર પરંપરા મુજબ ગુરૂપૂર્ણિમા સત્ર તથા વસંતપંચમી સત્ર તરીકે શિક્ષણકાર્ય ચલાવવામાં આવશે.

    ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો. રાજ્યપાલએ 1 જુલાઈ, 2024ના રોજ શરૂ થયેલા ગુરુપૂર્ણિમા સત્રમાં 8 વિદ્યાશાખાના વિવિધ 18 વિષયોમાં કુલ 1146 વિદ્યાર્થીઓને દીક્ષારંભ કરાવ્યો હતો. 

    આ દીક્ષારંભ પ્રસંગે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં દેશમાં આ કાર્યક્રમ 'વિદ્યારંભ સંસ્કાર' તરીકે ઓળખાતો હતો. આપણાં ઋષિમુનિઓએ જીવનને  ઉન્નત બનાવવા અને આત્માના સંપૂર્ણ વિકાસ માટે કુલ 16 સંસ્કારોની કલ્પના કરી હતી, જેમાંનો એક સંસ્કાર 'વિદ્યારંભ સંસ્કાર' છે.

    ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ  ડૉ. હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, એક જુલાઈથી શરૂ થયેલા નવા સત્રનો દીક્ષારંભ સમારોહ એક પખવાડિયા સુધી ચાલશે. આ વર્ષે વિવિધ 18 રાજ્યોના વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો છે. ગત વર્ષના 800 વિદ્યાર્થીઓના પ્રવેશની સરખામણીમાં આ વર્ષે કુલ 1200 વિદ્યાર્થીઓ ગાંધી મૂલ્યો અને ગાંધીજીના જીવન આદર્શો સાથે શિક્ષણ મેળવવા માટે જોડાયા છે એ ગૌરવપૂર્ણ વાત છે.

    વિદ્યારંભ સમારંભ વિશે વધુમાં વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુરુ અને શિષ્ય બંનેના એકમેક પ્રત્યેના સમર્પણ ભાવ અને સહયોગ થકી જ વિદ્યા સાર્થક થાય છે. પ્રાચીન સમયમાં આશ્રમ અને ગુરુકુળ શિક્ષણ પરંપરામાં માતા-પિતા પોતાના બાળકને આશ્રમમાં મોકલતા હતા. આશ્રમ કે ગુરુકુળમાં ગુરુઓ બાળકના સંપૂર્ણ નિર્માણની જવાબદારી લેતા હતાં. બાળકને પોતાના ઘરની યાદ ન આવે તેવા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં બાળકમાં સંસ્કારોનું સિંચન કરીને તેનું ચારિત્ર્ય નિર્માણ કરવામાં આવતું હતું. આજે ગુરુઓ 'અધ્યાપક' કે 'આચાર્ય' તરીકે ઓળખાય છે. 'આચાર્ય' તેમને કહેવાય જેમનું આચરણ, મન, કર્મ, વચન અને જીવન તેમના શિષ્યો માટે આદર્શરુપ હોય. વિદ્યાર્થીઓ કે શિષ્યો પોતાના ગુરુમાંથી શીખે છે અને પોતાના ગુરુ જેવા બનવાનો પ્રયત્ન કરે છે. જેવી રીતે એક ગર્ભવતી માં પોતાના ગર્ભસ્થ શિશુની સારસંભાળ રાખે છે, તેવી જ રીતે એક આદર્શ ગુરુ પોતાના શિષ્યને કેળવે છે, સાચવે છે અને તેને એક મહાન વ્યક્તિત્વ પ્રદાન કરે છે. ગુરુજન વિશે આવી ઉદ્દાત કલ્પના ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા મળી શકે નહીં.

    આ દીક્ષારંભ પ્રસંગે પદ્મવિભૂષણ બિરલાજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, 'સા વિદ્યા યા વિમુક્તયે' જેનું આધારસુત્ર છે એવી આ સંસ્થાનો પ્રારંભ ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલન દરમિયાન દેશના યુવાઓના શિક્ષણ માટે કર્યો હતો. "ગામડાઓનો ઉદ્ધાર થશે તો જ દેશનો ઉદ્ધાર થશે"- ગાંધીજીના આ વિચારને પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત વિદ્યાપીઠ હંમેશા કામ કરતી રહી છે. બિરલા પરિવાર ત્રણ દાયકાથી ગાંધી વિચારો સાથે જોડાયેલો છે. ગુજરાત વિદ્યાપીઠ સમાજમાં શિક્ષણના માધ્યમથી ચારિત્ર નિર્માણનું કાર્ય કરી રહી છે. સાથે જ, તેમણે ગ્રામોદ્યોગ, સામુદાયિક જીવન, સામૂહિક પ્રાર્થના, સાફ-સફાઈ, માતૃભાષામાં શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ, આત્મનિર્ભરતા, ખાદી અને સૂતર, શ્રમ પ્રત્યે નિષ્ઠા, સામૂહિક શ્રમદાન જેવી વિદ્યાપીઠની વિશેષતાઓને બિરદાવી હતી.

    ગુજરાત વિદ્યાપીઠના ગુરૂપૂર્ણિમા સત્રના દીક્ષારંભ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના વિચારો 100 વર્ષ પહેલા પણ એટલા જ પ્રસ્તુત હતા અને આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને તેમના વિચારોને આ મહાન સંસ્થા (ગુજરાત વિદ્યાપીઠ) વધુને વધુ લોકો સુધી લઈ જઈ રહી છે. ગુજરાત વિદ્યાપીઠમાં એક સકારાત્મક વાતાવરણમાં શિક્ષણ સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થી પાસ થઈને સમાજમાં જાય ત્યારે સમાજનું નામ રોશન કરે અને સમાજમાં પોતાનું યોગદાન આપે એ રીતે વિદ્યાર્થીઓને અહીં તૈયાર કરવામાં આવે છે.

    આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠમાં ઉનાળુ વેકેશન દરમિયાન ચાલતા સ્વપ્ના(SWAPNA-Swabhiman Project For Nurturing Altitude) પ્રોજેક્ટમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા AMCના વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ સાથે કરવામાં આવેલા MOU અંતર્ગત સાબરમતી નદીના પૂર્વ કિનારે એલિસબ્રિજ પાસે આવેલા 20 મંદિરોના ઐતિહાસિક સર્વેક્ષણનો રિપોર્ટ ઇતિહાસ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યો હતો.

    આ દીક્ષારંભ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠનું ટ્રસ્ટી મંડળ, ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ.નિખિલ ભટ્ટ તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply