ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે 9,10 અને 11મા સત્રના કામકાજની આપી માહિતી
Live TV
-
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે પત્રકાર પરિષદ કરીને 14મી વિધાનસભાના 9,10 અને 11મા સત્રના કામકાજની માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાના 9મા સત્ર દરમિયાન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે ડૉ.નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી હતી. આ 3 સત્ર દરમિયાન ગૃહમાં સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે 38 શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 10મા સત્રની શરુઆત રાજયપાલના સંબોધનથી કરવામાં આવી હતી. 10મા સત્ર દરમિયાન વિધાનસભાની ખાસ બેઠકમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગૃહમાં સંબોધન કર્યું હતું. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના સંસદીય ઈતિહાસમાં રાષ્ટ્રપતિએ સંબોધન કર્યાનો આ પ્રથમ અવસર હતો. 9,10,11મા સત્રમાં કુલ 18 સરકારી વિધેયકો રજૂ થયા હતા અને 11મા સત્ર દરમિયાન એક સરકારી વિધેયક સભાગૃહની અનુમતીથી પાછું ખેંચવામાં આવ્યું હતું. 9 અને 11 સત્રમાં બિન સરકારી કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું, જયારે 10મા સત્ર દરમિયાન 3 બિન સરકારી સંકલ્પોની સભાગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં 2 સંકલ્પોનો સભાગૃહે સ્વીકાર કર્યો હતો, જયારે 1 સંકલ્પનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. 9મા સત્રમાં "રાજયમાં વૃક્ષારોપણની કામગીરીને વધુ અસરકારક કરવા અંગે", 10મા સત્રના છેલ્લા દિવસે "રાજયમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા અને ખેડૂતોના દેવા માફ કરવા અંગે" અને 11 સત્રમાં "રાજયમાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓના ભાવો અંકુશમાં લેવા અંગે"ના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
10મા સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાના નિયમો હેઠળ આઝાદીની લડતના શહીદો સ્વ.ભગતસિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરુને શ્રદ્ધાંજલિ આપતો સરકારી પ્રસ્તાવ ગૃહમાં ચર્ચાયો હતો. આ સત્ર દરમિયાન કામકાજ સમિતિઓની બેઠક મળી હતી. 9મા સત્રમાં નાણાકીય સમિતિઓની ખાલી પડેલી જગ્યાઓ પર ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. 11મા સત્રમાં હવા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરીનો ઓડીટ અહેવાલ સભાગૃહના મેજ ઉપર મૂકવામાં આવ્યો હતો. એપ્રિલ 2022માં આસામમાં અને કેનેડા ખાતે યોજાયેલ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનની કોન્ફરન્સમાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ બે મુદ્દા પર પોતાનું વકતવ્ય આપ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યુવા મોડેલ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 14મી વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્યો તરીકે ભાજપના જીતુભાઈ સુખડીયા અને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત વિધાનમંડળોની પ્રમુખ અધિકારીઓની પરિષદમાં પસાર કરવામાં આવેલ ઠરાવ મુજબ લોકસભા અધ્યક્ષ ઓમબિરલા દ્વારા વિધાન પરિષદ એવોર્ડ આપવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિના સભ્ય તરીકે ડૉ. નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવી જે ગૌરવરુપ છે.
