ગુજરાત વિધાનસભામાં 2 મહત્વપૂર્ણ અધિનિયમ બહુમતીથી મંજૂર
Live TV
-
ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા વિધેયક ૨૦૧૮ અને ગુજરાત ખાનગી યુનિવર્સિટી ૨૦૦૯માં સુધારા વિધેયક મંજૂર થયાં
ગુજરાત વિધાન સભામાં સોમવારે બે મહત્વપૂર્ણ અધિનિયમ બહુમતીથી પસાર થયા હતાં. જેમાં ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા વિધેયક ૨૦૧૮ અને ગુજરાત ખાનગી યુનિવર્સિટી ૨૦૦૯માં સુધારા વિધેયક મંજૂર થયાં હતાં. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જમીનની રી સર્વે અંગેની કામગીરી બાબતે મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે ગૃહમાં કહ્યુ હતું કે, ખેડૂતની પરવાનગી વિના કોઇની પણ જમીન કોઇના નામે કરવામાં આવશે નહીં.
બીજી તરફ ગૃહની કામગીરીના પ્રારંભે જ દલિતોને જમીન ફાળવણી મુદ્દે હોબાળો સર્જાયો હતો. પ્રશ્નોત્તરીના સમય દરમિયાન વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ચંદનજી ઠાકોરે દુખદા ગામના દલિત પરિવારના આત્મ વિલોપનનો મામલો તાકિદની બાબત પર લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જ આ મુદ્દો ઉઠતાં હોબાળો થયો હતો. દલિતોનાં મુદ્દે ભાજપ અને કોંગ્રેસે પરસ્પર આરોપો ચલાવ્યો હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દલિત પરિવારની તમામ માંગણીઓ સરકાર દ્વારા માનવીય સંવેદનાથી તાત્કાલિક ધોરણે ઉકેલી નાખ્યો હોવાનો દાવો કર્યો હતો.