Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારની આદિવાસીઓને ‘સંજીવની’ ભેટ

Live TV

X
  • ગુજરાત સરકારની આદિવાસીઓને ‘સંજીવની’ ભેટ

    ગુજરાત સરકારે રાજ્યના આદિવાસી સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય કર્યો છે. નાણાકીય મોરચે નબળી સ્થિતિ ધરાવતા આદિવાસી પરિવારોના દર્દીઓ મોંઘી અને આધુનિક તબીબી સારવારથી વંચિત ન રહી જાય તે માટે વર્ષ 2026-27થી એક નવી યોજના જાહેર કરવામાં આવી છે, જેના માટે સરકારે ₹2 કરોડની બજેટ ફાળવણી કરી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના આ નિર્ણયથી હજારો આદિજાતિ પરિવારને મોટું આરોગ્ય સુરક્ષા કવચ પ્રાપ્ત થશે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પી. સી. બરંડાના માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

    શું છે આ નવી યોજના?
    આ યોજનાનું સત્તાવાર નામ ‘રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના દર્દીઓને કીડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ વગેરેનાં અંગ પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરવા માટે તેમજ તે માટે રોબોટીક શસ્ત્રક્રિયા સહિતના ઑપરેશનો માટે સહાય આપવા માટેની યોજના’ છે.

    આ યોજના હેઠળ જટિલ અંગોના પ્રત્યારોપણ તેમજ ગંભીર રોગોમાં અત્યાધુનિક રોબોટીક શસ્ત્રક્રિયા માટે દર્દીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

    અમદાવાદની IKDRC સંભાળશે મુખ્ય જવાબદારી
    આ યોજનાના સફળ અને પારદર્શક અમલીકરણ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી અગ્રણી સરકારી સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

    સહાય કેવી રીતે મળશે? 
    આ યોજનાનો નિયમ એ છે કે દર્દીને આયુષ્માન ભારત (PMJAY) કે મા-કાર્ડ હેઠળ મળતી સહાય બાદ કર્યા પછી જે વધારાનો ખર્ચ બચે, તે આ યોજનામાંથી ચૂકવવામાં આવશે. જો અંગ પ્રત્યારોપણનો કુલ ખર્ચ ₹6લાખ થાય અને PMJAY હેઠળ ₹3લાખ મળવાપાત્ર હોય, તો બાકી રહેતા ₹3લાખ ની સંપૂર્ણ સહાય આ યોજના દ્વારા મળશે.

    ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે: જો ખાનગી હૉસ્પિટલમાં ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ₹10લાખ થાય, પરંતુ સરકારી હૉસ્પિટલ (IKDRC) માં તે જ પ્રક્રિયાનો દર ₹6 લાખ નક્કી હોય, તો PMJAY ના ₹૩  લાખ બાદ કરીને મહત્તમ સરકારી દરની મર્યાદા મુજબ માત્ર ₹૩ લાખ ની જ સહાય મળવાપાત્ર રહેશે.

    લાભ મેળવવા માટેની પાત્રતા અને શરતો:
    જાતિનું પ્રમાણપત્ર: લાભાર્થી ગુજરાતના અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ અને સત્તાવાર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. દર્દી ભારત સરકારની આયુષ્માન યોજના (PMJAY) અથવા મા-કાર્ડ ધરાવતા હોવા જોઈએ. દર્દીએ યોજનાનો લાભ લેવા માટે IKDRC નો ફરજિયાત સંપર્ક કરવો પડશે. ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવાની હોય તો પણ IKDRC ની મંજૂરી લેવી અનિવાર્ય છે. IKDRC ની ટ્રાન્સપ્લાન્ટ સમિતિ પાસેથી ક્લિનિકલ એપ્રુવલ મેળવવી પડશે. અંગદાતા (Donor) ગમે તે જ્ઞાતિના હોઈ શકે, પરંતુ આ નાણાકીય સહાય માત્ર આદિવાસી અંગ મેળવનાર દર્દી (Organ Recipient) ને જ મળશે. શાળાના બાળકોને 'સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ' હેઠળ પહેલેથી જ સંપૂર્ણ મફત સારવાર મળતી હોવાથી તેઓને આ યોજનામાં અલગથી આવરી લેવામાં આવ્યા નથી.

    વહીવટી પારદર્શિતા પર વિશેષ ભાર

    નાણાકીય ગેરરીતિઓ અટકાવવા માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવશે. સહાયની રકમ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિ અથવા સીએમ ડેશબોર્ડ પોર્ટલ દ્વારા સીધી જ જમા કરવામાં આવશે. ઉપરાંત, યોજનાના યોગ્ય મોનિટરિંગ માટે સમયાંતરે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ કરાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
apply