ગુજરાત હાઈકોર્ટે 'મહારાજ' ફિલ્મ પરનો સ્ટે હટાવ્યો
Live TV
-
બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી. જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો.
ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઈકોર્ટે ફિલ્મ જોઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ફિલ્મ જોઈ સ્ટે હટાવ્યો છે. કોઈ ઓથોરિટી ફિલ્મને સર્ટિફિકેટ આપે તેના કરતાં હાઈકોર્ટ ઉપર અમને વધુ વિશ્વાસ છે. અમારી ફરિયાદ બરોબર હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ જે નુકસાન જાય તેના કરતા સાવચેતી વધુ સારી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ અમે ફિલ્મ જોઇશું. ફિલ્મ વાંધાજનક લાગે તો રસ્તો ખુલ્લો છે.
છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા બંને પક્ષકારોને સાંભળવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટ દ્વારા મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે 20 જૂન 2024ના રોજ સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પબ્લિશરે નીતિમત્તા જાળવવી જોઈએ, ઓથોરિટી પાસે આવા કન્ટેન્ટને અટકાવવાની સત્તા છે. અમે ઓથોરિટી સમક્ષ આ ફિલ્મને અટકાવવા રજૂઆત કરી હતી. જુદા જુદા વર્ગો માટે અલગ અલગ કેટેગરીની ફિલ્મ હોય છે. પબ્લિક ઓર્ડરને ખરાબ કરે એવી ફિલ્મ ના હોવી જોઈએ. ઓથોરિટી આવા પબ્લિશરને દંડ કરી શકે અને આવી કૃતિને બ્લોક કરી શકે. આ કોઈ એમ.એફ. હુસૈનનાં ચિત્રની જેમ વ્યક્તિગત સર્જન નથી. કોઈ અગાઉની હયાત બાબત પર ફિલ્મ બની છે.
