ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ગાંધી ગ્રામજીવન પદયાત્રાની સમીક્ષા કરી
Live TV
-
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાની સમીક્ષા કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું મિશન હતું ગ્રામોત્થાન. તેઓ વિદ્યાપીઠની સ્થાપના કરીને ફક્ત ડિગ્રી અને અક્ષરજ્ઞાન મેળવનાર વિદ્યાર્થીઓ નહોતા ઇચ્છતા. તેમનો ઉદ્દેશ્ય હતો કે, વિદ્યાપીઠમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે ઉન્નત હોવાની સાથે તેમનું શિક્ષણ દૈનિક જીવનમાં ઉપયોગી થાય અને અંત્યોદય માટે વિદ્યાનો લાભ પહોંચે, આ પૂજ્ય બાપુનો પરમ ઉદ્દેશ્ય હતો. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા યોજાયેલી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની સમીક્ષાના કાર્યક્રમમાં પદયાત્રામાં સહભાગી થનાર તમામને શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશના ગામડાઓના લોકો મોટાભાગે ખેતીથી જોડાયેલા છે અને આ વખતે તમે તમારી સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું જ્ઞાન અને તમારી વિદ્યા લઈને તેમની પાસે ગયા એ તેમને ઘણી ઉપયોગી સાબિત થશે.
રાજ્યપાલે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં પ્રાકૃતિક કૃષિ મિશન માટે રૂપિયા 2481 કરોડની ફાળવણી કરી છે. આઝાદ ભારતમાં પ્રથમવાર આવું કાર્ય થયું છે કે, કોઈ વ્યક્તિએ આવનાર પેઢી માટે, ધરતી માં માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય,તો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. પ્રધાનમંત્રી આ યાત્રા અંગે પણ જણાવ્યું તો તેમણે ઘણી પ્રસન્નતા અનુભવી છે. તેમણે જણાવ્યું કે આ કાર્ય પૂજ્ય બાપુનું છે,આ અભિયાન ગ્રામોસ્થાનનું છે જે પૂજ્ય બાપુનું મિશન છે, આ ચાલવું જોઈએ તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
રાજ્યપાલે ગર્વ અનુભવતાં જણાવ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનું જે બૌદ્ધિક સ્તર છે, વાત કરવાની જે પ્રતિભા છે, તેનાથી હું પ્રસન્નતા અનુભવું છું. હું માનું છું કે, પદયાત્રાના છ દિવસ તમારા જીવનના સૌથી યાદગાર બની રહેશે. પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ અંગે તફાવત દર્શાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ બંને અલગ છે, તેના વિશે લોકો સમજશે તો ગેરસમજણ દૂર થશે.જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન મળતું નથી, ખર્ચ વધુ થાય છે, નીંદણ વધુ ઉગે છે અને ઉત્પાદન ઓછું આવે છે. પરંતુ, પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે છે અને આ એક સફળ ખેતી છે. આ બેઠકમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
