ગોધરાના નદીસર ખાતે 'સેવા સેતુ 2.1' કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાય-સન્માનપત્રો એનાયત
Live TV
-
'નાગરિક સુધી સરકાર' અને 'વિકસિત ભારત - 2047 'ના સંકલ્પ સાથે નદીસર ખાતે મુખ્યમંત્રીના હસ્તે જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
વિકસિત ભારત - 2047'ના સંકલ્પને સાકાર કરવા તેમજ 'નાગરિક સુધી સરકાર' પહોંચાડવાના ઉદાત્ત ઉદ્દેશ્ય સાથે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર મુકામે 'સેવા સેતુ 201' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
નવા નદીસર પ્રાથમિક શાળા (પીએમ શ્રી શાળા) ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ હેલ્થ, પ્રાકૃતિક કૃષિ, કૃષિ વિભાગ, રેવન્યુ, આઈસીડીએસ (મિશન મંગલમ), પશુપાલન, શિક્ષણ અને વનવિભાગ વગેરે દ્વારા ઊભા કરાયેલા વિવિધ પ્રદર્શન સ્ટોલ્સનું ગહન નિરીક્ષણ કર્યું હતું. તેમણે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની કામગીરી અને પ્રગતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે વિવિધ સરકારી યોજનાઓ હેઠળના લાભાર્થીઓને મંજૂરી હુકમો અને સન્માનપત્રોનું વિતરણ કરાયું હતું, જેમાં આરોગ્ય વિભાગમાં પરમાર પુષ્પક શંકરને PMJAY કાર્ડ,ATMA યોજના (પ્રાકૃતિક કૃષિ) હેઠળ માછી પ્રવિણ ભીખાને મંજૂરી હુકમ,ખેતીવાડી વિભાગમાં પટેલ રાજેશ જયંતિને પંપસેટ મોટર માટે પેમેન્ટ ઓર્ડર,વૃદ્ધ પેન્શન સહાય યોજના હેઠળ પરમાર લીલાબેન ચંદ્રકાંતને મંજૂરી હુકમ,આઈ.સી.ડી.એસ. વિભાગમાં આંગણવાડી કાર્યકર સુથાર આરાધના ત્રિલોકકુમારને 'આંગણાનો ઉત્સવ' અંતર્ગત સન્માનપત્ર,પશુપાલન વિભાગમાં પ્રશાંત જયંતિલાલ રામીને નેશનલ લાઈવસ્ટોક મિશન પ્રમાણપત્ર,શિક્ષણ વિભાગમાં મૈત્રીબા સૂરપાલસિંહ રાઉલજીને CET સન્માનપત્ર,વન વિભાગમાં દિનુ સોમા પટેલને એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પી.એમ. શ્રી શાળાના પટ્ટાગણમાં પર્યાવરણ જતનના સંદેશ સાથે 'એક પેડ મા કે નામ 3.0' અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. તદ્ઉપરાંત શાળામાં વિધાર્થીઓ દ્વારા વિકસિત ભારત 2047 ની થીમ આધારિત તૈયાર કરવામાં આવેલી કલાત્મક રંગોળી નિહાળી હર્ષની લાગણી વ્યક્ત કરીને મુખ્યમંત્રીશ્રીએ શાળાના બાળકોને અભિનંદન આપ્યા હતા.
પી.એમ. શ્રી શાળાના કાર્યક્રમ બાદ જુના નદીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય પ્રવેશદ્વારનું તકતી અનાવરણ કર્યું હતું તથા શ્રી નંદકેશ્વર મહાદેવ સ્થિત શ્રીજીની મહાઆરતી ઉતારી રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ,ધારાસભ્ય સર્વે સી. કે. રાઉલજી, ફતેહસિંહ ચૌહાણ, નિમિષા સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
