ગોધરા તાલુકાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો આરંભ
Live TV
-
ગોધરા તાલુકાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે સાત દિવસીય "આદિવાસી અસ્મિતા પર્વ" થીમ આધારિત રાષ્ટ્રીય એકતા શિબિરનો આરંભ થયો છે. રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે રાષ્ટ્રીય એકતા શિબિરનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે યુનિવર્સિટી ખાતે પધારેલા અલગ અલગ રાજ્યના ૧૮૮ વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું કે, એન.એસ.એસની શરૂઆત મહાત્મા ગાંધીજીના વિચારોને ચરિતાર્થ કરવા ૧૯૬૯ થી કરાઈ હતી. સ્વચ્છતા,સમાનતા અને બંધુત્વની સાથે આજે દેશભરમાં એન.એસ.એસ વિભાગ વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે.
તેમણે દેશની આઝાદીમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર નાયકોને યાદ કરીને જણાવ્યું કે,સરકાર દ્વારા અનેક નાયકોના ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે. દેશમાં આ જન નાયકોએ સમાજસુધારણા, રાષ્ટ્રભાવના, બલિદાન, સ્વતંત્રતા, ભક્તિ આંદોલન, વ્યસન મુક્તિ સહિત અનેક ચળવળો ચલાવી હતી.સરકારે જન નાયકોના માનમાં તથા ભારતની આદિવાસી પરંપરાના મહિમાને ઉજાગર કરવા 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં કેવડીયા ખાતે દેશનું આદિજાતિ સંગ્રહાલય બનશે જેથી આદિવાસી સમાજની સભ્યતા અને પરંપરાગત તથા રહેણી કરણી વિશે આવનાર પેઢી જાણી શકશે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણએ જણાવ્યું કે, સાત દિવસીય આ શિબિરમાં વિધાર્થીઓ પોતાના રાજ્યોની આદિવાસી અસ્મિતાની બાબતો રજૂ કરશે અને લોકો પણ અસ્મિતાને નજીકથી જાણે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. આજે યુનિવર્સિટી હસ્તક ૩૦૦ કોલેજોમાં ૧ લાખ ૫૦ હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૮૫૦ વિદ્યાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે. શોધ યોજના અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ૧૦ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શિબિરનું આયોજન ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ,ગાંધીનગર અને રાજ્ય એન.એસ.એસ સેલ તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
