ચિકદા તાલુકાના ખેડૂતોની પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ અને મશરૂમ યુનિટની મુલાકાત
Live TV
-
ચિકદા તાલુકાના ખેડૂતોએ ખુપર બરસાણ ગામે પ્રાકૃતિક કૃષિ અને મશરૂમ યુનિટની મુલાકાત લીધી; આધુનિક ખેતીના પ્રત્યક્ષ પ્રયોગો શીખ્યા
ચિકદા તાલુકાના ખેડૂત ભાઈ-બહેનોએ તાજેતરમાં ખુપર બરસાણ ગામે પ્રગતિશીલ ખેડૂત વસાવા દાનેશ્વરભાઈ માનસિંગભાઈના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ તથા મશરૂમ યુનિટની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ આધુનિક, પ્રાકૃતિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું. સફળ ખેડૂતના ખેતર પર કરવામાં આવતા વિવિધ પ્રયોગો અને નવીન ખેતી પદ્ધતિઓનું આ નિદર્શન ઉપસ્થિત ખેડૂતો માટે ભારે પ્રેરણારૂપ બન્યું હતું.
મોડેલ ફાર્મ પર પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન
મોડેલ ફાર્મની મુલાકાત વેળાએ ખેડૂતોને જમીન અને ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ સાથે આંતરપાક, મિશ્રપાક અને પાક વૈવિધ્યકરણની પદ્ધતિઓ, દેશી ગાયનું મહત્ત્વ અને ગૌ-આધારિત ખેતી, ગૌ આધારિત કૃષિ ઇનપુટ્સના ઉપયોગ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, રસાયણિક ખાતરો અને જંતુનાશકોના વિકલ્પો તરીકે પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અને યોગ્ય બજાર વ્યવસ્થાપન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
મશરૂમ યુનિટની મુલાકાતથી વ્યવસાયિક ખેતીનું જ્ઞાન
મુલાકાત દરમિયાન ખેડૂતોને મશરૂમની વૈજ્ઞાનિક અને વ્યવસાયિક ખેતી અંગે વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. મશરૂમ ઉત્પાદનના વિવિધ તબક્કાવાર પ્રક્રિયા, જરૂરી માળખાકીય સુવિધાઓ, ઉત્પાદન ખર્ચ, આવકની સંભાવનાઓ, મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
મર્યાદિત જમીન અને ઓછી મૂડીમાં મશરૂમ ઉત્પાદન દ્વારા આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકાય છે, જેની સમજ આપી ખેડૂતોને સ્વરોજગાર તથા કૃષિ આધારિત ઉદ્યોગસાહસિકતા અપનાવવા પ્રોત્સાહિત કરાયા હતા.
નવીન પદ્ધતિઓથી ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન
સફળ ખેડૂતના અનુભવો અને ખેતર પરના જીવંત પ્રયોગોના પ્રત્યક્ષ નિદર્શનથી ખેડૂતો નવીન અને ટકાઉ ખેતી પદ્ધતિઓને સરળતાથી સમજી પોતાના ખેતરમાં તેનો અમલ કરી શકે છે. આનાથી ખેતી ખર્ચ ઘટે છે, જમીનની ગુણવત્તા સુધરે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવીને ટકાઉ કૃષિ વિકાસને વેગ મળે છે.
આ સમગ્ર ખેડૂત મુલાકાત કાર્યક્રમનું ઉત્તમ આયોજન અને સફળ સંચાલન દેડિયાપાડા તાલુકાના એ.ટી.એમ. શ્રી એ.એમ. વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
