છેલ્લા 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં મેઘમહેર
Live TV
-
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 85 તાલુકામાં મેઘમહેર થઈ છે.
જેમાં સૌથી વધુ મહિસાગરના બાલાસિનોરમાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના કઠલાલમાં 2.40 ઈંચ, મહુધામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના દહેગામમાં દોઢ ઈંચ, મહિસાગરના લુણાવાડામાં સવા ઈંચ અને ખેડાના માતરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો સિઝનનો કુલ 63. 36 ટકા વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 67.29 ટકા વરસાદ વરસ્યો છે.
કચ્છમાં 64.16, ઉત્તર ગુજરાતમાં 65.74, મધ્ય પૂર્વમાં 65.88 તો સૌરાષ્ટ્ર રિજનમાં 55.18 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગ પ્રમાણે આજે રવિવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ સમાન્ય વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોનસુન ટ્રફ ઉત્તર ભારતથી પસાર થઈ બંગાળાની ખાડી તરફ ફેલાયેલું છે.પરિણામે વરસાદનું જોર ઘટયું છે. આજથી 7 દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
