છોટાઉદેપુરમાં દીકરીઓ સાથે રૂબરૂ સંવાદથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો
Live TV
-
છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતી દીકરીઓનાં શપનાં અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. 'સશક્ત બેટી - કલેક્ટર ઇન ક્લાસરૂમ' અભિયાન અંતર્ગત વિદ્યાર્થિનીઓનો સંકોચ દૂર થઈ રહ્યો છે અને તેમનામાં આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થયો છે. જિલ્લા કલેક્ટરે રૂબરૂ શાળાઓમાં પહોંચી દીકરીઓ સાથે સીધો સંવાદ સાધતા શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ક્વાંટ તાલુકાના રૂમડિયા ગામે આવેલી મોડેલ ડે સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે ખુલીને વાતચીત કરી હતી. તેમણે પોતાના વિદ્યાર્થીકાળના સંઘર્ષો અને અનુભવો વહેંચીને દીકરીઓને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ નેતૃત્વ જેવા ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી હતી. આ પ્રેરણાદાયી સંવાદની દીકરીઓ પર ઊંડી અસર પડી છે, જેના પરિણામે પિંકલ અને રોશની જેવી હોશિયાર દીકરીઓએ ભવિષ્યમાં પોલીસ તેમજ સનદી સેવાઓમાં કારકિર્દી બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ અભિયાન માત્ર અભ્યાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ વર્ગખંડમાં શિક્ષણની સાથે-સાથે રમતગમત, શારીરિક તંદુરસ્તી અને 'ગુડ ટચ - બેડ ટચ' જેવા અત્યંત સંવેદનશીલ વિષયો પર પણ સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. એક સફળ મહિલા અધિકારીની રૂબરૂ ઉપસ્થિતિએ આ દીકરીઓના આત્મબળને નવી ઊંચાઈ બક્ષી છે. આ મુલાકાત દરમિયાન શાળા પરિસરમાં જ આરોગ્ય તપાસ અને આધાર કાર્ડ સંબંધિત જરૂરી સેવાઓ પણ ઉપલબ્ધ કરાઈ હતી. વહીવટી તંત્રના આ સંવેદનશીલ અને દીર્ઘદ્રષ્ટિવાળા અભિગમે અંતરિયાળ વિસ્તારની કન્યાઓમાં રહેલો ડર હંમેશાં માટે દૂર કરી દીધો છે અને તેમનામાં એક ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો અડગ વિશ્વાસ જગાડ્યો છે.
