છોટાઉદેપુરમાં ‘જનજાતીય ગરિમા ઉત્સવ 2026’ ની ભવ્ય ઉજવણી
Live TV
-
છોટાઉદેપુરમાં ‘જનજાતીય ગરિમા ઉત્સવ 2026’ ની ભવ્ય ઉજવણી
છોટાઉદેપુર જિલ્લામાં ‘જનજાતીય ગરિમા ઉત્સવ 2026’ ની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવના ભાગરૂપે, રાજ્ય સરકારના "સૌથી દૂર, સૌથી પહેલાં" ના સેવાભાવી અભિગમને સાકાર કરવા માટે છોટાઉદેપુરના તેજગઢ સ્થિત ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ ‘જન ભાગીદારી અભિયાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ
આ પ્રસંગે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવીને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનેક આદિજાતિ લાભાર્થીઓને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓના સહાય-લાભોનું સ્થળ પર જ પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. યોજનાકીય સહાય મળતા લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગ્રામ પંચાયતોને પીવાના પાણીના ટેન્કરોની ભેટ
અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે માટે કેટલીક ગ્રામ પંચાયતોને રૂ.11.55 લાખના 8 પીવાના પાણીના ટેન્કરોને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા.
સાંસદ જશુ રાઠવા અને અન્ય આમંત્રિત મહાનુભાવોના હસ્તે આ પાણીના ટેન્કરોને લીલી ઝંડી આપીને વિવિધ ગ્રામ પંચાયતો તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઉત્સવને સફળ બનાવ્યો હતો.
