જામનગર: ભારે વરસાદનાં કારણે 4 ડેમ ઓવરફલો
Live TV
-
ઉપરવાસનાં મુળીલા, મોટાભાડુકિયા, બાલાભડી, કોઠાભાડુકિયા જેવા આજુબાજુનાં ગામોમાં જોરદાર વરસાદ પડતાં બાલાભડી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા કાલાવડ શહેરની પીવાનાં પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. વરસાદનાં કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે. ડેમ ઓવરફ્લો થતા શહેરીજનો ડેમ જોવા ઉમટી પડ્યા. જામનગર જીલ્લામાં ગઈ કાલે રવિવારે મેઘરાજાએ બે તાલુકાઓને તરબતર કરી નાંખ્યા છે. ગઈ કાલે કાલાવડ અને જામજોધપુર તાલુકામાં સાંબેલાધાર 10 ઇંચ સુધી વરસાદ વરસી જતા પાણી પાણી થઇ ગયું છે. બીજી તરફ જીલ્લાનાં 26 પૈકી 4 ડેમ ઓવરફલો થઇ ગયા છે જયારે અન્ય ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે.
જીલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમનાં આંકડાઓની વાત કરીએ તો રવિવારથી આજ સવારનાં છ વાગ્યા સુધીમાં જામનગર જીલ્લામાં 24 કલાકમાં અડધાથી છ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં લાલપુરમાં અડધો, જોડિયા, જામજોધપુર અને ધ્રોલમાં દોઢ ઇંચ અને જામનગરમાં એક ઇંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે. જયારે સૌથી વધુ કાલાવડમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે આ વરસાદ માત્ર તાલુકા મથક પર જ નોંધાયો છે પરંતુ ગ્રામ્ય પંથકની વાત કરીએ તો એક થી દસ ઇંચ વરસાદ પડી ગયો છે. જેમાં જામજોધપુર અને કાલાવડ પંથક પર આ વર્ષે મેઘરાજ વિશેષ મહેરબાન થયા છે. ગઈ કાલે આ બંન્ને તાલુકાઓના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે જેને લઈને બંને તાલુકામાં આવેલ ફૂલઝર એક, સંગચિરોડા, કોટડા બાવીશી, વોડીસંગ અને ઉમીયાસાગર તથા સોરઠી ડેમ ઓવરફલો થઇ ગયા છે. સિંચાઈ વિભાગ દ્વારા ફૂલઝર અને ઉમિયાસાગર તથા કોટડા બાવીસી ડેમના દરવાજા ખોલી પાણીના પ્રવાહને સમતોલ કરાયો હતો. જામજોધપુરમાં ભારે વરસાદને લઈને ગામડાઓમાં પાણી પાણી સાથે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં સડોદર ગામે એક ગાડું, સાતી અને ચાર ભેંસ પુરમાં તણાઈ ગઈ હતી. તો બીજી તરફ કાલાવડ-જામનગર વચ્ચેનો માર્ગ અવરોધાયો છે. આ માર્ગ પરના ખંઢેરા ગામનો પુલ જર્જરિત થઇ જતા જામનગરથી આવતા વાહનો ખંઢેરાથી મોટી માટલી, ખાન કોટડા અથવા ખંઢેરાથી ગોલણીયા જવા સુચના આપવામાં આવી છે.
