જામનગર: હર ઘર તિરંગા ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
Live TV
-
જામનગર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 13ઓગસ્ટના રોજ રણમલ તળાવ ગેટ-1 થી રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી યોજાશે
જામનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન, જામનગર ખાતે કલેકટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો સંદર્ભે વિગતો આપતા જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી તા.17 ઑગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહભેર ઉજવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 13 ઓગસ્ટના રોજ મહાનુભાવોની ઉપસ્થિતમાં સાંજે 04:30 કલાકથી રણમલ તળાવ ગેટ-૧1થી શરૂ થઈ રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ અને ત્યાંથી પરત ફરી સંપન્ન થશે.ઉપરાંત, જિલ્લાના તમામ તાલુકા મથકો અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વ્યાપક લોકભાગીદારી સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
જિલ્લામાં યોજાનારા તમામ કાર્યક્રમોમાં વંદે માતરમના અધિકૃત સ્વરૂપનું સામુહિક ગાન કરવામાં આવશે. 17 ઓગસ્ટ સુધી જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા રેલીનું આયોજન કરાશે. શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારિત વક્તૃત્વ, ચિત્ર તથા રંગોળી સ્પર્ધાઓ યોજાશે. અભિયાન દરમિયાન જિલ્લાની સરકારી કચેરીઓને આકર્ષક રોશનીથી સુશોભિત કરવામાં આવશે. જિલ્લાના નાગરિકો 'Selfie With Tiranga' ડિજિટલ અભિયાન અંતર્ગત તિરંગા સાથે સેલ્ફી લઈ Harghartiranga.com વેબસાઈટ પર અપલોડ કરે તે માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.
ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, આઘાત, સ્થળાંતર અને બલિદાનનું સ્મરણ થાય તે હેતુથી તા.૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભારતના વિભાજનની ઐતિહાસિક ઘટનાઓ અને સંઘર્ષની ગાથાઓને દર્શાવતું વિશેષ પ્રદર્શન તથા નાટીકા શહેરના ટાઉનહોલ ખાતે યોજાશે.તેમજ શહેરના ટાઉનહોલથી લીમડા લેન થઈ લાલ બંગલો સર્કલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી સાંજે 07:00 કલાકથી વિશાળ કેન્ડલ માર્ચ રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
