દેશભક્તિના રંગે રંગાયું પાટનગર ગાંધીનગર, રાજ્યકક્ષાની ‘તિરંગા યાત્રા’નું ભવ્ય આયોજન
Live TV
-
ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિશાળ તિરંગા યાત્રાને પ્રારંભ કરાવતાં “હર ઘર તિરંગા” અભિયાનને “હર દિલ તિરંગા”નું જન આંદોલન બનાવવા આહવાન કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 9 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી તિરંગા યાત્રા રાષ્ટ્ર માટે સૌ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે તેવી અદમ્ય ચેતના જગાવતી યાત્રા બની રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ સંદર્ભમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં તિરંગા સાથે નાગરિકો ઉમટી પડ્યા હતા.
ગાંધીનગરના ગ-૬ સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રાના અક્ષરધામ મંદિર સુધીના કુલ 2.4 કિલોમીટરના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ અને નાસિક ઢોલ દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત, પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ડેરડેવિલ્સ શો’ સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તિરંગા યાત્રાનો પ્રારંભ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યો અને મુખ્યસચિવ શ્રી એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તિરંગા યાત્રા એ દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે અને જ્યારે આપણે હાથમાં તિરંગો અને હ્રદયમાં ભારત ભક્તિ લઈને આ યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વિચાર સાકાર થાય છે. આજની પેઢી આઝાદીના લડવૈયાઓના ત્યાગ, તપસ્યા અને બલિદાનને જાણે તથા એમના જીવન કવનથી પ્રેરણા લઈ રાષ્ટ્ર પ્રથમની ભાવના આ પેઢીમાં કેળવાય તેવો ભાવ આ તિરંગા યાત્રામાં નિહિત છે. આપણે વિકસિત ભારત 2047 માટે આ તિરંગા યાત્રાથી અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે. એટલુ જ નહિ, દેશ માટે જીવી જાણવાની અને ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાની જે તક મળી છે તેને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પથી પાર પાડવાની છે.
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ માત્ર ત્રણ રંગોનું કાપડ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્રીય ગૌરવ, એકતા, અખંડિતતા અને અપ્રતિમ શૌર્યનું અમર પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી શરૂ થયેલું 'હર ઘર તિરંગા' અભિયાન આજે જન-જનના હૃદયમાં દેશભક્તિની અમર જ્યોત પ્રજ્વલિત કરી રહ્યું છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી આ ઐતિહાસિક તિરંગા યાત્રા દ્વારા આપણે સૌ 'રાષ્ટ્ર પ્રથમ'ના પવિત્ર સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને દેશની એકતા તથા અખંડિતતા માટે પુનઃ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ તેવો વિશ્વાસ મેયરે વ્યક્ત કર્યો હતો.
