ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો
Live TV
-
ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો: રાજ્યમાં 3300થી વધુ આંગણવાડીઓ બનશે 'ચાઇલ્ડ ફ્રેન્ડલી', કુપોષણ સામે લડવા યોજાશે 'પોષણ સંગમ કેમ્પ'
રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ અને કુપોષણના નાબૂદી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના અધ્યક્ષસ્થાને ‘3,300+ ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી અને પોષણ સંગમ હેલ્થ કેમ્પ’ અંગેના રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આંગણવાડીઓને બાળકોના માનસિક અને શારીરિક વિકાસના પ્રથમ પગથિયા તરીકે વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આધુનિક સુવિધાઓ સાથે નવી આંગણવાડીઓનું નિર્માણ
સરકારની આ પહેલ અંતર્ગત રાજ્યમાં મોટા પાયે આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. બાળકો માટે પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્યમાં 600 થી 900 ચોરસ ફૂટની વિશાળ સાઈઝની નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
વિશેષ તાલીમ:
આંગણવાડીના બાળકોમાં છૂપી પ્રતિભાઓ બહાર લાવવા માટે તેમને રમત-ગમત, ચિત્રકામ અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની તાલીમ આપવા માટે આંગણવાડી કાર્યકરોને વિશેષ તાલીમબદ્ધ કરવામાં આવશે. આંગણવાડીઓના બાંધકામમાં ઉત્તમ ગુણવત્તા જળવાઈ રહે તે માટે IIT ગાંધીનગરના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે અને કડક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
રાજ્યવ્યાપી 'પોષણ સંગમ હેલ્થ કેમ્પ' યોજાશે
બાળકોમાં કુપોષણની સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ સંગમ હેલ્થ કેમ્પ’નું આયોજન કરવામાં આવશે. આ કેમ્પ દ્વારા કુપોષિત બાળકોની ઓળખ કરી તેમના સ્વાસ્થ્યનું નિયમિત ફોલોઅપ લેવામાં આવશે, જેથી દરેક બાળકનું સ્વાસ્થ્ય સુદ્રઢ બને અને તેમને પૂરતો પોષણયુક્ત આહાર મળી રહે.
