જીટીયુમાં 13મા ઇનોવેશન સંકુલ એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ઈનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને વિવિધ શ્રેણીમાં 27 પુરસ્કાર પ્રદાન કરાયા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 13મા ઇનોવેશન સંકુલ એવોર્ડ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વ્યક્તિગત ટીમ અને સંસ્થાકીય સ્તરે સ્ટાર્ટઅપ- ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને વિવિધ શ્રેણીમાં 27 પુરસ્કાર પ્રદાન કરાયા હતા. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સ્ટોલની મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે વસંત પંચમીના દિવસે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ ઇનોવેશન સંકુલ એવોર્ડને આજે 13 વર્ષ પણ પૂર્ણ થયા છે, તે બદલ હું તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી વિકસાવી સમાજની ચિંતા કરી અને લોકો આ ક્ષેત્રે વધુ કાર્યરત થાય તે માટે સાર્થક પ્રયાસો કર્યા છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ વર્ષ 2011માં ઈનોવેશન સંકુલની શરૂઆત કરી હતી અને આજે 266થી વધુ લોકોને ઇનોવેશન ક્ષેત્રે એવોર્ડ એનાયત કરાયા છે, જે ખૂબ જ ગર્વની બાબત છે. ગુજરાતના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, વિશ્વની 500 કંપનીઓ પૈકી 100 કંપનીઓ ઉત્પાદન ક્ષેત્રે માત્ર ગુજરાતમાંથી કાર્યરત છે. આખા ભારતમાં 18 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાંથી થાય છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે.
વિદ્યાર્થીઓની વાત કરતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે વધુ વિકાસ થવાનો છે, અનેક ઇનોવેશન અનેક સ્ટાર્ટ અપ રોજબરોજ શરૂ થઈ રહ્યા છે, અનેક કંપનીઓ ગુજરાતમાં સ્થપાશે. આપ સૌની પાસે સુવર્ણ સમય છે, પોતાના કૌશલથી આપ સૌ ભારતના વિકાસમાં ભાગીદાર બનો. ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા અનેક સ્ટાર્ટઅપ પોલિસીઓ વિકસાવાઈ છે, તો વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે કાર્યરત થવું જોઈએ. વિદ્યાર્થીઓને કોઈપણ જરૂરિયાત હોય તો સરકાર તેમની સાથે છે.
આ કાર્યક્રમમાં જીટીયુના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર, જીટીયુના રજિસ્ટ્રાર ડૉ. કે.એન.ખેર તેમજ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સંસ્થામાંથી પધારેલા મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
